કોર્પોરેશનની ઘોર બેદરકારી? ખાનગી માલિકની જમીન પર ફ્રેન્ચવેલ બનાવી દીધા બાદ હવે જમીન સંપાદન કરવાની નોબત આવી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે રાયકા ખાતે મહીસાગર નદીના તટે પાનમ પ્રોજેક્ટ હેઠળ ફ્રેન્ચવેલ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ખાનગી માલિકીની જમીન પર દબાણ કરીને બાંધકામ કરી દેવાયું હોવાનો વિવાદ હવે વકર્યો છે. જૂન 2024માં મુલતવી રખાયેલી દરખાસ્ત દોઢ વર્ષના લાંબા વિરામ બાદ ફરી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા પર ચડાવવામાં આવતા પાલિકાના આંતરિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મોજે રાયકાના બ્લોક નંબર 449 અને 450માં પાલિકાએ સંપ અને અન્ય મશીનરી ગોઠવી હતી. જમીન માલિક વિરેન્દ્રભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં કોર્પોરેશને દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે 2021માં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ 2022માં કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ દાખલ કરવામાં આવી હતી. આ કાયદાકીય ગૂંચ ઉકેલવા પાલિકાના પાણી પુરવઠા અને જમીન મિલકત શાખાએ માલિક સાથે બેઠકો યોજી હતી અને અંતે જમીન સંપાદન કરવાની ખાતરી આપી હતી.
DILR અને સંયુક્ત DGPS માપણીમાં જમીનના ક્ષેત્રફળ અંગે વિરોધાભાસ જોવા મળ્યો છે. DILR મુજબ બ્લોક નં. 449માં 1502 ચો.મી. અને 450માં 82 ચો.મી. જમીન વપરાઈ છે. જ્યારે સંયુક્ત માપણીમાં આ આંકડો ઘણો વધારે એટલે કે 2424 ચો.મી. અને 389 ચો.મી. જણાયો છે. દરખાસ્ત મુજબ, બ્લોક નં. 450ની વધારાની ખુલ્લી જમીન માલિકને પરત કરી માત્ર 449 નંબરની 2424 ચો.મી. જમીન સંપાદન કરવાની હિલચાલ છે. નવાઈની વાત એ છે કે, આ દરખાસ્તમાં હવે જમીન માલિકને અવર-જવર માટે રસ્તો આપવાની પણ વાત વણી લેવામાં આવી છે.
જમીન માલિક પ્રથમ તબક્કાની વાટાઘાટોમાં સહમત ન થતા હવે GPMC એક્ટની કલમ-78 મુજબ જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે સામાન્ય સભા અને શહેરી વિકાસ વિભાગની મંજૂરી મેળવવા તેમજ આગળની તમામ વાટાઘાટો માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
:- વિવાદનું કેન્દ્ર: ‘રસ્તા’ માટેનો નવો વળાંક
ખાનગી જમીનમાં ફ્રેન્ચવેલ તો બની ગયો, હવે રસ્તો આપવા મથામણ
રાયકા ફ્રેન્ચવેલની આ દરખાસ્તમાં સૌથી મોટો વિવાદ એ છે કે, અગાઉ જમીન સંપાદન માટેની પ્રક્રિયા મુલતવી રહી હતી, પરંતુ હવે નવી દરખાસ્તમાં જમીન માલિકને તેમના બ્લોક નંબર 449 અને 450માં અવર-જવર માટે રસ્તો આપવાની સંમતિની કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જમીન સંપાદન અધિકારી (LAQ) જે ક્ષેત્રફળ નક્કી કરે તે આખરી ગણવા અને માલિક સાથે સમાધાનકારી વલણ અપનાવવા તંત્ર ઉતાવળું બન્યું હોય તેમ જણાય છે.