બોડેલી પ્રાંત અધિકારીને છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
બોડેલી:રાજપુત સમાજ તથા હિન્દુ ધર્મના રક્ષક રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના નેતા સાંસદ રામજીલાલ સુમનને તત્કાલ ધોરણથી હોદ્દા પરથી હટાવવા બોડેલી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજનાં વિવિધ સંગઠનો તરફથી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 21-3-2025ના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્ય સભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણાસાંગા (સંગ્રામસિંહ ) ના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરી ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. તેમણે જે વાત રજૂ કરી તે સત્યથી સદંતર વેગળી અને પાયાવિહોણી છે. આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડાયું છે. તેમણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે. જે અત્યંત દુઃખદાયક છે. આ અભદ્ર ટિપ્પણીને સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજ વખોડી કાઢે છે. સરકાર દ્વારા સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમન દ્વારા કરાયેલી અભદ્ર ટીપ્પણીને ધ્યાનમાં લઈ તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનોને સરકાર દ્વારા કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા જોઈએ. જેથી આગામી સમયમાં આવા કોઈ રાજકીય આગેવાનો કે નેતાઓ દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય.
આ સંગઠનો અને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા
ક્ષત્રિય કરણી સેના છોટાઉદેપુર જિલ્લો, મહાકાલ સેના, સમગ્ર હિન્દુ સંગઠનો, રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના છોટાઉદેપુર જિલ્લા, ,ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ છોટાઉદેપુર જિલ્લો, વિરેન્દ્રસિંહ દેસાઈ, શ્રી રાજપુત કરણી સેના પ્રમુખ છોટાઉદેપુર જિલ્લો, કીર્તિરાજ સિંહ પરમાર,
રાજપુત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી,પ્રમુખ ઘનશ્યામ સિંહ ઘરીયા,, રાજપુત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી,મહિલા પ્રમુખ ચંદ્રકુવરબા સિનોરા, મહાકાલ સેના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, રાજપૂત સમાજના સર્વે હોદ્દેદારો તેમજ કાર્યકરો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી
