એસઓજી પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી
કાલોલ :
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં રાજ્ય બહારના કામદારોને કામે રાખવામાં આવ્યા છે કે નહીં અને તેમની સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન મધવાસની મુવાડી વિસ્તારમાં આવેલી એ.આર. એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રમોદકુમાર રામાસરય રાજભર, મૂળ રહેવાસી બરીયાપુર, જિલ્લો દેવરીયા (ઉત્તર પ્રદેશ), છેલ્લા અંદાજે 20 દિવસથી આ કંપનીમાં મજૂરી કામ માટે કાર્યરત છે. આ કામદારને કંપનીના સંચાલક આબીદઅલી જુમરાતીમિયા અન્સારી દ્વારા કામે રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન જણાયું હતું કે સંચાલક દ્વારા આ કામદારનું કોઈ ઓળખપત્ર (ID Proof) મેળવવામાં આવ્યું નહોતું તેમજ રાજ્ય બહારના કામદારને કામે રાખ્યા અંગે સ્થાનિક પોલીસ મથકે કોઈ નોંધણી પણ કરાવવામાં આવી નહોતી. જે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આથી એસઓજી પોલીસે સંચાલક આબીદઅલી જુમરાતીમિયા અન્સારી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાલોલ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા