‘કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો રવિભાણ સંપ્રદાય સવા ત્રણ સો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડી ખાતે 200 વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજસેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.‘ તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે કહાનવાડી ખાતે ગુરૂગાદીના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા 106.21 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં રૂપિયા 1.10 લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે. વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તેની ચિંતા કરતી આ સરકારે વિકસિત ગુજરાતના નિર્માણનો 25 વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. લોકોની જરૂરિયાતને સમજીને સરકારે ગામ – શહેરનો વિકાસ થાય તે માટેનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે, વિકાસની આ પરંપરા સુ-આયોજિત રીતે આગળ વધે તે માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા હવે તેના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.
આ કાર્યક્રમના પ્રારંભમાં કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્ય દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો. જ્યારે ભાણસાહેબ ચેતન સમાધિસ્થાન, કમીજળાના મહંત મહામંડલેશ્વર – 1008 શ્રી જાનકીદાસ બાપુ એ કબીર પરંપરાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી, આ પરંપરાએ ભજનવાણી દ્વારા લોકોને બેઠા કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા, રાકેશભાઈ શાહ વિગેરે હાજર રહ્યાં હતાં.
રાજ્યમાં સવા ત્રણ સો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતા રવિભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ આપી છે : સીએમ
By
Posted on