Vadodara

રાજ્યના શિક્ષણ મંત્રીનો વડોદરા પ્રવાસ: શિક્ષણના સ્તર અને માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી​


સરકારી શાળાઓને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવી એ સરકારની પ્રાથમિકતા” રીવાબા જાડેજા

વડોદરા: ​રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ સરકારી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની સુરક્ષાની સમીક્ષા કરવાનો હતો.
પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મંત્રીશ્રીએ ખાસ કરીને કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. છાત્રાલયમાં રહેતી દીકરીઓને આપવામાં આવતા આહાર બાબતે તેમણે વિશેષ કાળજી દર્શાવી હતી. રીવાબા જાડેજાએ માત્ર રસોડાની સફાઈની જ તપાસ નહોતી કરી, પરંતુ છાત્રીઓને પીરસવામાં આવતા ભોજનનો સ્વાદ જાતે માણીને તેની ગુણવત્તાની ખાતરી કરી હતી. ભોજનની પૌષ્ટિકતા અને સ્વાદ બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સરકારી શાળાઓમાં થઈ રહેલા પરિવર્તન અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવી રહી છે.” તેમણે વડોદરાની સરકારી શાળાઓમાં જોવા મળેલી આધુનિક માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાનગી શાળાઓની સરખામણીએ હવે સરકારી શાળાઓ વધુ સજ્જ બની રહી છે.
શાળાઓમાં થતા દૂષણો અને વિદ્યાર્થીઓની સુરક્ષાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા મંત્રીએ મક્કમતાથી જણાવ્યું હતું કે ​”સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાઓના શૈક્ષણિક વાતાવરણને દૂષિત કરતા તત્વો સામે અત્યંત ગંભીર છે. બાળકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.”
​તેમણે ઉમેર્યું હતું કે, તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે સરકાર સતત કાર્યરત છે અને જરૂર પડ્યે ભવિષ્યમાં વધુ કડક કાયદાકીય પગલાં લેતા પણ સરકાર અચકાશે નહીં.
આ મુલાકાત દરમિયાન શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રી અને સ્થાનિક પદાધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
– ‘માત્ર નિરીક્ષણ નહીં, સંવેદના’
​મંત્રી રીવાબા જાડેજાની વડોદરા મુલાકાત માત્ર વહીવટી સમીક્ષા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ તેમાં તેમની સંવેદનશીલતા પણ છતી થઈ હતી. કન્યા છાત્રાલયમાં દીકરીઓ વચ્ચે બેસીને ભોજન લેવું અને રસોડાની ઝીણવટભરી તપાસ કરવી એ બાબત દર્શાવે છે કે સરકાર શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુખાકારી માટે પણ કટિબદ્ધ છે. સુરક્ષાના મુદ્દે તેમણે આપેલું કડક નિવેદન વાલીઓમાં વિશ્વાસ જગાડનારું સાબિત થશે.

Most Popular

To Top