Science & Technology

રાજકોટ ના ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ માં ત્રણ રેકોર્ડ નોંધાવી ઐતિહાસિક હેટ્રીક સર્જી

રાજકોટના પ્રખ્યાત ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરએ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં ત્રણ રેકોર્ડ નોંધાવી ઐતિહાસિક હેટ્રીક સર્જી છે.

ડૉ. હિમાંશુ ઠક્કર ભારતના બહુ જ ઓછા એવા ડોક્ટરોમાં સામેલ છે, જેમણે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં ત્રણ અલગ-અલગ રેકોર્ડ નોંધાવ્યા છે, જે એક દુર્લભ સિદ્ધિ છે.આ સિદ્ધિ રાજકોટ શહેર જ નહીં સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની બાબત છે.
લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ 2026ના “મેડિકલ માર્વેલ્સ (Medical Marvels)” વિભાગમાં તેમણે બે મહત્વપૂર્ણ રેકોર્ડ સ્થાપિત કર્યા.

પ્રથમ રેકોર્ડમાં રાજકોટના 47 વર્ષીય દર્દીની નાકમાંથી 10 સેમી × 3.5 સેમી × 1 સેમી માપનો સૌથી મોટો નેઝલ પોલિપ એન્ડોસ્કોપિક પદ્ધતિથી સફળતાપૂર્વક દૂર કર્યો.
બીજો રેકોર્ડ શ્વાસનળીમાં ફસાયેલ સૌથી મોટું foreign body દૂર કરવાનો હતો. આ 2 સેમી × 1 સેમી માપનું ચીકુનું બીજ હતું, જે 55 વર્ષીય મહિલા દર્દીની શ્વાસનળીમાં લગભગ બે મહિના સુધી ફસાયેલું હતું.
આ પહેલા, લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ 2025માં ડૉ. ઠક્કરને રાજકોટના 55 વર્ષીય પુરુષ દર્દીની નાકમાંથી 8 સેમી × 2.5 સેમી માપનો વિશાળ નેઝલ પોલિપ સંપૂર્ણ એન્ડોસ્કોપિક સર્જરી દ્વારા કોઈપણ જટિલતા વગર દૂર કરવા બદલ રેકોર્ડ પ્રાપ્ત થયો હતો.
તે ઉપરાંત, વર્ષ 2023માં ડૉ. હિમાંશુ ઠક્કરે ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ રેકોર્ડ રચ્યો હતો. તેમણે 10 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સીટી (વિસલ) એન્ડોસ્કોપિક પદ્ધતિથી દૂર કરી, જે છેલ્લા 7 વર્ષથી ફસાયેલ હતી. આ બાળક મટાણા ગામ, સુત્રાપાડા તાલુકાનો રહેવાસી હતો.
તમામ સર્જરીઓ આધુનિક એન્ડોસ્કોપિક ટેક્નિકથી, કોઈપણ જટિલતા વગર સફળતાપૂર્વક કરવામાં આવી, જે ડૉ. ઠક્કરની અદભૂત સર્જિકલ કુશળતા અને અનુભવને પ્રગટ કરે છે.
ડૉ. ઠક્કરના જણાવ્યા પ્રમાણે, રેકોર્ડની હેટ્રીક સર્જવી તેમના માટે ખૂબ જ સન્માન અને ગૌરવની બાબત છે.

Most Popular

To Top