આજવા–નિમેટા રોડ પર ગંભીર અકસ્માત, પાંચથી વધુ મુસાફરો ઘાયલ
વાઘોડિયા:
આજવા–નિમેટા રોડ પર રવાલ ક્રોસિંગ પાસે આજે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસુલાબાદ તરફના વળાંક પાસે ઓપન હેવી ટેલર ટ્રક વળાંક લઈ રહી હતી તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી સિટી (વિટકોષ) બસે ટેલરના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે બસનો ડ્રાઈવર કાબૂ ગુમાવતા બસ રોડની બાજુ આવેલી વરસાદી કાંસમાં ઉતરી પડી હતી.

બપોરે અંદાજે સવા ત્રણ વાગ્યાની આસપાસ વડોદરાથી આજવા તરફ જઈ રહેલી સિટી બસમાં આશરે 15 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત થતાં જ બસમાં બેઠેલા મુસાફરોની ચીસાચીસ મચી ગઈ હતી. આ ઘટનામાં પાંચથી સાત મુસાફરોને નાની–મોટી ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત દરમિયાન ડ્રાઈવર સીટ નજીક બેઠેલી એક વૃદ્ધ મહિલાને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોઢું ચૂંથાઈ ગયું હતું અને ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ વાઘોડિયાના જુના રામપુરા વિસ્તારમાં રહેતા ચંપાબેન મહેશભાઈ વસાવા તરીકે કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ રાહદારીઓએ તાત્કાલિક વાઘોડિયા પોલીસ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. થોડી જ વારમાં ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સની સાયરન ગુંજી ઊઠી હતી. ઘાયલ મુસાફરોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
ઓપન ટેલર ટ્રકના ડ્રાઈવર ક્રિષ્ના સિંગ તીર્થરાજસિંહ ચૌહાણ (ઉ.વ. 32), રહેવાસી મધ્યપ્રદેશે જણાવ્યું હતું કે બસ અત્યંત ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ બસનો ચાલક અને કંડકટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
વાઘોડિયા પોલીસ તથા આજવા આઉટ પોસ્ટના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: બજરંગ શર્મા, વાઘોડિયા