કોઝ વેમાં ભંગાણ સર્જાતા જીવના જોખમે પસાર થતાં સ્કૂલના માસુમ ભૂલકાં
****
વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ
****
આ વિસ્તારના 15 ગામોનો સામાજિક, આર્થિક,શૈક્ષણિક વિકાસ રૂંધાઇ રહ્યો છે
બોડેલી તાલુકાના રણભૂન ઘાટી અને પાટીયા વચ્ચેથી પસાર થતી મેરીયા નદી પર નવીન બ્રિજ નિર્માણાધીન છે. બ્રિજની સાઈટ ની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે. ભારે વરસાદને પગલે ડાયવર્ઝન ના બાંધકામમાં ધોવાણ થતા નદીની બંને તરફ રસ્તા પર ડામરના પોપડા ઉખેડી તેનો મોટો બમ્પ બનાવી રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. આ રસ્તો બંધ થતા પાટિયા તરફના 15 ગામોના નાગરિકોનો વ્યવહાર પ્રભાવિત થયો છે. રણભુન સ્કૂલમાં ભણવા આવતા અઢીસો જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જીવના જોખમે સ્કૂલના બાળકોને તૂટેલા ડાયવર્ઝન પરથી પસાર થઈ જવું આવવું પડે છે. ગ્રામજનોએ આ માર્ગ વાહન વ્યવહારને લાયક બને તેવી માંગ કરી છે
રણભુન ઘાટી અને પાટિયા વચ્ચે થી મેરીયા નદી પસાર થાય છે. જ્યાં હાલમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આ સ્થળ પર છલિયું નાળું અગાઉ કાર્યરત હતું. જેના પરથી બંને તરફના ગામોનો વાહન વ્યવહાર, પગપાળા અવરજવર ચાલતી હતી. જોકે આ વિસ્તારના નાગરિકોની બુલંદ માગણી ને પગલે અહીં નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે. વરસાદ ને પગલે નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. જેને લીધે નુકસાન ન સર્જાય તે હેતુથી બંને તરફ ડામર સપાટીના રોડને ખોદીને તેનો વિશાળ બમ્પ બનાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે તેમ છતાં પણ લોકોએ પોતાની રીતે અવરજવર ચાલુ રાખી છે. શાળાના બાળકો જીવના જોખમે આ ભંગાણ થયેલ કોઝવે પરથી ફરજિયાત જવું પડે છે. આ રસ્તાના વિકલ્પે અત્રેથી પસાર થતા વાહતુકો ને સામા કિનારે જવા માટે વધારાના 10 km નો ચક્કર લગાવો પડતો હોય જોખમ લઈને લોકો અત્રેથી વાહનો પસાર કરી રહ્યા છે.
ડાયવર્ઝન ધોવાઈ ગયું હોય અત્રે વૈકલ્પિક રસ્તો બનાવવો જરૂરી છે
– નવીનભાઈ રાઠવા, આગેવાન કાર્યકર, મુ. રણભૂનઘાટી
નવો બ્રિજ બનાવાઈ રહ્યો છે. જેને લીધે બાજુમાં ડાયવર્ઝન બનાવેલું છે. વરસાદને લીધે ડાયવર્ઝન ધોવાતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. શાળામાં ભણતા બાળકોને જોખમ સાથે નદી ઓળંગવી પડે છે. અત્રે વૈકલ્પિક રસ્તો બનાવાય તે જરૂરી છે
રસ્તો ધોવાતા ખાખરીયા થઇ 10 કીમી ફરીને જવું પડે છે
-કિરીટભાઇ રાઠવા, વટે માર્ગુ, મુ.મોટા બુટિયાપુરા
અમારે રોજનો અવાર-જવારનો આ રસ્તો છે. છલિયું ધોવાઈ ગયું છે. હવે આ રસ્તાના અભાવે અમારે વધારાના 10 km ફરીને ખાખરીયા થઈ જવું પડે છે અને ભારે કઠણાઇયોનો સામનો કરવો પડે
નદીમાં પાણી આવે એટલે સ્કૂલમાં અમારે રજા પાડી દેવી પડે છે
– નિલેશકુમાર અમરતભાઇ રાઠવા, ધો.8 વિદ્યાર્થી, મું. નાના બુટિયાપુરા
મેરીયા નદીમાં પાણી આવે એટલે આ રસ્તા પરથી અમે જઈ શકતા નથી. ગઈકાલે છલિયા પરથી પાણી પસાર થતું હતું. જેને લીધે અમે સ્કૂલે પહોંચી શક્યા ન હતા. હવે ફરી જ્યારે પણ પાણી આવશે ત્યારે અમે સ્કૂલે જઈ શકીએ નહીં. ડાયવર્ઝન ધોવાઈ ગયેલું હોય જીવના જોખમ સાથે તમામ વિદ્યાર્થીઓને અહીંથી પગપાળા નીકળવું પડે છે.
રણભૂન અને પાટીયા વચ્ચેથી પસાર થતી મેરીયા નદી પર બનતા પુલનું ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ કરાયો
By
Posted on