યુવકને યુવતી સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બે વર્ષ અગાઉ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા
“તું હવે માનસી જોડે સંબંધ રાખીશ કે અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશું”તેવી ત્રણેયે ધમકી આપી
((પ્રતિનિધિ) વડોદરા તા. 16
શહેરના ન્યૂ સમારોડ વિસ્તારમાં રહેતા યુવકને માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બે વર્ષ પહેલાં બંનેએ લગ્ન રજીસ્ટ્રેશન કર્યા હતા પરંતુ પરિવારના સભ્યોને આ સંબંધ મંજૂર ન હોવાથી ગત તા.15 ફેબ્રુઆરીના રોજ યુવક પોતાની નોકરી પર હતો તે દરમિયાન યુવતીના મામાએ યુવકને સમાધાન કરવાના બહાને યુવતીના ઘરે બોલાવ્યો હતો અને ત્યાં યુવતીના મામા,ભાઇ તથા નાનાએ “તું માનસી જોડે સંબંધ રાખીશ કે અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશું “તેવી ધમકી આપી હતી અને”અમારે માનસીના લગ્ન સમાજમાં કરાવવાના છે “તેમ કહી લાકડી તથા હાથ પગ વડે મૂઢમાર માર્યો હતો જે અંગેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલા અભિલાષા ચારરસ્તા નજીકના ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં મકાન નંબર ડી -104મા કૃણાલભાઇ રવિન્દ્ર સિંહ લાલ પોતાના માતા પિતા સાથે રહે છે અને ગોત્રી વિસ્તારમાં આવેલા નિલામ્બર ગૃપની એક સાઇટ પર સેફ્ટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.કૃણાલને શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતી માનસી નિલેષકુમાર રાણા સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો અને બે વર્ષ પહેલાં લગ્ન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.જેની જાણ માનસીના માતા જાગૃતિબેન રાણા અને ભાઇ મીત રાણાને હતી જે બાબતે તેઓને મનદુઃખ થયું હતું ગત તા. 15 ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યે કૃણાલ પોતાની નોકરી પર હતો તે દરમિયાન માનસીના મામા હેમેશ પુનમચંદ રાણાએ કૃણાલે માનસીના ઘરે બોલાવ્યો હતો જેથી કૃણાલ પોતાના મિત્ર હિરેન દિનેશભાઇ રાણા સાથે માંજલપુર માનસીના ઘરે ગયો હતો જ્યાં ઘરમાં માનસીના મામા હેમેશ રાણા,ભાઇ મીત રાણા અને નાના પુનમચંદ રાણાએ કૃણાલને માનસી રાણાને છોડી દેવા જણાવ્યું હતું સાથે જ માનસીના લગ્ન સમાજમાં કરાવવાના છે તેમ જણાવી ઉશ્કેરાઇ ત્રણેયે ગંદી ગાળો બોલી હતી અને યુવતીના મામાએ કૃણાલે પીઠમાં લાકડીઓ મારી હતી સાથે જ યુવતીના ભાઇએ પણ લાકડીથી માર માર્યો હતો બાદમાં ત્રણેય લોકોએ કૃણાલને ગડદાપાટુનો માર મારતાં કૃણાલને માથામાં, મોઢા,ગળા તથા નાકમાં માર મારતાં કૃણાલે નાક અને મ્હોંમાંથી લોહી નિકળવા લાગ્યું હતું આ દરમિયાન ત્રણેયે કૃણાલને પકડી ને “તું હવે માનસી જોડે સંબંધ રાખીશ કે અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી આ દરમિયાન કૃણાલનો મિત્ર જે ઘર બહાર ઉભો હતો તેણે પોલીસ કંટ્રોલ રૂમને તથા 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી બોલાવ્યા હતા અને જેથી ઇજાગ્રસ્ત કૃણાલને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેની તબિયતમાં સુધારો થતાં તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.