(પ્રતિનિધિ) વડોદરા, તા. 28
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા પંચમ એલાઈટ પાસે એક બેકાબુ બનેલી ગાયે અચાનક હિંસક હુમલો કરતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ મહામુસીબતે ગાયના સિકંજામાંથી બંને વ્યક્તિઓને બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાથી ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. શહેરમાં રખડતા ઢોરોને પકડવાના દાવાઓ વચ્ચે ઢોર માલિકો અને ડબ્બા પાર્ટીના કેટલાક કર્મચારીઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે રખડતા ઢોરો ફરી રસ્તા પર જોવા મળતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે ઘણી વખત ઢોર માલિકો બપોરના સમયે પોતાના ઢોરોને રસ્તા પર છોડી દે છે, જેના કારણે ઢોરો રસ્તા પર અડીંગો જમાવી લે છે. પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અનેક વખત ઢોરોની અંદરોઅંદરની લડાઈ કે અચાનક હુમલાના કારણે અકસ્માતો સર્જાતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.
ખોડિયાર નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં જે રીતે ગાયે બે વ્યક્તિઓ પર શિંગડે ભેરવી હુમલો કર્યો, તે જોઈ સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લોકો દ્વારા રખડતા ઢોરોના ત્રાસને કાયમી રીતે દૂર કરવા અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.