Vadodara

યુવતીની શોધમાં ગયેલા સગાઓ પર ફાયરિંગ કરનાર,ફાર્મ હાઉસના માલિકની ધરપકડ

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામે યુવતીની શોધખોળ દરમિયાન થયેલી બબાલમાં ફાર્મ હાઉસના માલિકે રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ માલિકની ધરપકડ કરવામાં આવી છે.
ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના રહેવાસી નિમેષભાઈ રણછોડભાઈ બારીયાની ફરિયાદ મુજબ તેમના કાકાની 23 વર્ષીય પુત્રી 19 ફેબ્રુઆરીએ ગુમ થઈ હતી. તેની શોધખોળ કરવા તેઓ કાકાની ઇકો કારમાં પાંચ સાથીદારો સાથે પોઇચા-રાણીયા ગામે આવેલ છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા.
ફાર્મ હાઉસમાં કામ કરતા વિશાલ બારીયા પાસે પૂછપરછ કરતાં તેણે પોતાના શેઠને બોલાવ્યા હતા. થોડા સમય બાદ છગનભાઈ ગાડી લઈને આવ્યા અને ફાર્મ હાઉસમાં પ્રવેશ મુદ્દે ઉશ્કેરાઈ ગયા હતા. વિવાદ વધતાં તેમણે પોતાની રિવોલ્વરમાંથી પહેલો રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો.
બાદમાં તમામ લોકો ઇકો ગાડીમાં બેસી ગેટ તરફ જતાં હતા ત્યારે આરોપી ફરી ગાડી લઈને પહોંચ્યા અને બીજી વખત ફાયરિંગ કર્યું. ગોળી ગાડીનો પાછળનો કાચ તોડી નિમેષભાઈ બારીયાના ડાબા ખભા પર વાગી હતી. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક એસએસજી હોસ્પિટલlમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top