ઓગણીસમી સદી પહેલાંના ભારતીય સમાજનું માળખું પરંપરાના પાયા ઉપર અવલંબિત હતું, જેમાં ધર્મ આખરી નિયંત્રક સત્તા હતી. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ અંગ્રેજી શાસકોએ ભારતને બ્રિટિશ રાજ્યના સંસ્થાન તરીકે ઉમેર્યું. આથી ભારતીય સમાજજીવનમાં ક્રમિક છતાં મક્કમ રીતે પરિવર્તન જોવા મળ્યું. ધર્મની જગ્યાએ વિજ્ઞાન નિયંત્રક પરિબળ બન્યું. માન્યતાઓ અને અંધશ્રદ્ધાના સ્થાને પ્રગતિ અને વિકાસની તાર્કિક અને બુદ્ધિગમ્ય વિચારસરણી પ્રચલિત બની. રૂઢિગત રીત રિવાજોના સ્થાને વ્યક્તિગત પહેલ અને સ્વતંત્રતાના અભિગમો વિકસ્યા. બ્રિટીશ શાસનકાળ દરમ્યાન અંગ્રેજોએ ભારતને એક સંસ્થાન તરીકે નિભાવ્યું. આથી, પશ્ચિમની સંસ્કૃતિના લાંબા ગાળાના પ્રભાવ પછી પણ ભારતીય સમાજનું પરંપરાગત માળખું સમૂળગું બદલાયું તો નહીં, પરંતુ એક નવા સમાજનું સર્જન જોવા મળ્યું.
સ્વતંત્રતા પછી આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓ સાથે વ્યાપક થતું ઔદ્યોગિકીકરણ, વિસ્તરતું જતું શહેરીકરણ, શિક્ષણ, વાહનવ્યવહારનાં સાધનોનો વિકાસ તદુપરાંત રાષ્ટ્રિય જીવનમાં ગતિશીલતા લાવતાં કેટલાંક પરિબળોના વ્યાપક પ્રભાવના કારણે શહેર અને ગ્રામ વિસ્તારોમાં અનેક પરિવર્તન અનુભવી રહ્યાં છીએ. જેમાં ભારતની ગઈ કાલ અને આજ બન્નેના સમન્વયથી જાણે ભારતનો એક નવો અવતાર થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વિકસતા ભારતના સામાજિક, આર્થિક અને રાજકીય જીવનમાં જે પરિવર્તન આવ્યાં છે તેના કારણે વ્યક્તિને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી તાલીમ અને શિક્ષણ મળી રહેતાં તે પરંપરાગત વ્યવસ્થાના સ્થાને, ઝડપી અને વિષયલક્ષી પ્રક્રિયાની અનિવાર્યતા ઉદ્દભવી છે, પરિણામે સમાજજીવનને વિસ્તરવાનો અવસર મળ્યો છે અને છેલ્લાં વર્ષોમાં તો આધુનિકીકરણના વાહક સ્વરૂપે દશ્ય-શ્રાવ્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સે ભારતીય સમાજને સમૂળગો પલટી નાખ્યો છે. ભારતમાં પરિવર્તનની આ વ્યાપક અને સર્વાંગી ગતિશીલતાને કારણે આપણો દેશ આધુનિક બનતો જાય છે.
જો કે એ પણ યાદ રહે કે કોઈ પણ સમાજ ક્યારેય પૂર્ણતઃ પરંપરાગત કે સંપૂર્ણપણે આધુનિક બની શકતો નથી. તેમાંયે ભારતમાં તો પ્રાચીન અને અર્વાચીનતાનું એક મિશ્રણ થયું છે. આમ છતાં ભારતીયોમાં પરિવર્તનનો પ્રવાહ પ્રાચીનથી આધુનિકતા તરફ જઈ રહ્યો છે ત્યારે બદલાઈ રહેલ ભારતીય સમાજમાં યુવાનોનો અભ્યાસ રસપ્રદ બને છે. વિગતે જોઇએ તો, સ્વતંત્રતાની ચળવળ અને આઝાદી પછીનાં ૭૫ વર્ષ દરમ્યાન યુવાશક્તિએ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુવાનો નવા વિચારો અને આદર્શો ઝડપથી અપનાવી રહ્યાં છે.
આથી નવી પેઢી સમાજ-પરિવર્તનના સંવાહકો બની છે. સવિશેષ આવી રહેલા સમયનું દર્શન નિહાળવા માટે પણ યુવાનો હેતુ બની શકતા હોઇ વિશેષ શક્તિ અને ઉત્સાહ ધરાવતા યુવકોમાં આધુનિકીકરણ અને સંચાર માધ્યમોની સ્થિતિને જોવાનું પણ રસપ્રદ બને છે.
આ ભૂમિકા સંદર્ભે ૧૭થી ૨૫ વર્ષની વય ધરાવતા ગ્રામ અને શહેરી વિસ્તારમાં વસતાં ૨૦૦૦ યુવકોનાં વલણો આ લેખના લેખક દ્વારા તપાસતાં જણાયું છે કે નવી પેઢીમાં દશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોના સંપર્કની સ્થિતિ જોતાં જણાય છે કે ૩૮ ટકા યુવકોને વાચનમાં રસ છે, પરંતુ આ યુવકો માત્ર ગુજરાતી ભાષાની સામગ્રી વાંચે છે. ૪૨ ટકા ગ્રામયુવકો અને ૨૨ ટકા શહેરી યુવકો રેડિયો સાંભળે છે. જ્યારે ૬૦ ટકા યુવકો મહિનામાં ૧થી ૩ સિનેમા પણ જુએ છે. ૪૦ ટકા ગ્રામયુવકો અને ૯૮ ટકા શહેરી યુવકો મોબાઈલ અને ઈન્ટરનેટ વાપરે છે.
આધુનિકીકરણ સાથે વિસ્તરતી રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કારણે પ્રવાસન હવે વધુ સ્વીકાર્ય બની રહ્યું છે. યુવકો પોતે આધુનિકીકરણનું શું અર્થઘટન કરે છે તે અંગે પૂછતાં જાણવા મળ્યું કે ૨૫ ટકા યુવકો બૌદ્ધિક વિચારસરણી અને વૈજ્ઞાનિકીકરણને આધુનિકીકરણ તરીકે સ્વીકારે છે. જ્યારે ૩૨ ટકા યુવકો રોજિંદા જીવનમાં સાધનસુવિધા અને મનોરંજનસુવિધાની વૃદ્ધિને આધુનિકીકરણ સમજે છે. ગ્રામ અને શહેર એકમ સ્થિત ૨૬ ટકા યુવકો યાંત્રિકીકરણને આર્થિક સમૃદ્ધિકરણ સમજે છે. જ્યારે આઝાદીનાં ૭૫ વર્ષ વીત્યાં છતાંયે રાષ્ટ્ર હજુ પછાત છે તેવું માનતાં યુવકોની સંખ્યા શહેરમાં ૧૩ ટકા અને ગામડાંમાં ૪ ટકા છે.
ગુજરાતમાં ૪ ટકા યુવકો એવું માને છે કે વ્યક્તિના સામાજિક સ્થાન માટે જ્ઞાતિ નહીં પણ વૈયક્તિક વિકાસ અગત્યનો છે. કુટુંબમાં નિર્ણય લેવાની આખરી સત્તા વડીલો માટે અબાધિત હોય છે, તેવો મત ૫૭ ટકા ગ્રામયુવકો અને ૩૧ ટકા શહેરી યુવકો ધરાવે છે. જ્યારે લગ્નના ખ્યાલો પરત્વે ગ્રામયુવકોમાં આજે પણ મહદંશે રૂઢિચુસ્તતા પ્રવર્તે છે. માત્ર શહેરી યુવકો જીવનસાથીની પસંદગીના ધોરણ તરીકે સામા પાત્રના પ્રેમને પોતાની પ્રથમ પસંદગી આપે છે. ૨૧મી સદીમાં પણ ૨૩ ટકા યુવકો પુરુષને સ્ત્રીજાતિના માલિક અને રક્ષક ગણે છે.
જ્યારે ૨૮ ટકા યુવકોના મતે વ્યક્તિવિકાસમાં સંયુક્ત કુટુંબ જ ફાળો આપી શકે તેવો મત ધરાવે છે. આઝાદીના માહોલમાં પણ આજે યુવકો પતિ પત્નીના દરજ્જામાં પ્રાઈવસીને બ્રિધિંગ સ્પેઇસ ને અહેમ દરજ્જે મૂકે છે. જે ધ્યાન ખેંચતી બાબત છે. લગ્ન બાદ મોટા પરિવારની જવાબદારી લેવા પ્રત્યે કોઈ યુવકો તૈયાર નથી તેમ સ્વતંત્ર વ્યવસાયથી માનસિક રીતે નિર્ણયાત્મક સ્થિતિ પસંદ કરતાં યુવકોની સંખ્યા ૯૩ % છે જે ધ્યાન ખેંચે છે. સમય બદલાયો છે. ભારતમાં યુવા મતદારોની સંખ્યા વધી છે. શિક્ષિત યુવાનોની બહુમતી વધી છે ત્યારે હવે રાષ્ટ્રનિર્માણમાં યુવકોની ભૂમિકા બદલવી પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.