Columns

યુરોપના દેશો અમેરિકામાં રાખવામાં આવેલું ૬,૩૦૦ ટન સોનું કેમ પાછું મંગાવી રહ્યા છે?

કોઈ પણ સંબંધમાં કે વેપારમાં વિશ્વાસ બહુ મોટી ચીજ હોય છે. આપણને જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય છે, તેને આપણે આપણી આખી જિંદગી કે આપણી કરોડો રૂપિયાની સંપત્તિ પણ સોંપી દેતાં હોઈએ છીએ. તે વ્યક્તિ ઉપર વિશ્વાસ ઊઠી જાય તે પછી આપણે તેને કાણી કોડી પણ સોંપતા નથી. અમેરિકાના આર્થિક સામ્રાજ્યના પાયા હચમચી રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે દુનિયાના દેશોને અમેરિકા ઉપર જે આંધળો વિશ્વાસ હતો, તે વિશ્વાસ હવે ઘસાઈ રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તરંગી, સ્વાર્થી, સ્વકેન્દ્રી અને બેઈમાન નીતિઓને કારણે અમેરિકા સાથે કોઈ પણ જાતનો આર્થિક સંબંધ રાખનારને સતત અસલામતીનો અનુભવ થાય છે. કોઈ કાળે દુનિયાના દેશોએ અમેરિકા ઉપર વિશ્વાસ રાખીને તેને પોતાનું ૬,૩૦૦ ટન સોનું સોંપ્યું હતું, જેને ન્યુયોર્કના વોલ્ટમાં રાખવામાં આવ્યું છે. હવે યુરોપના દેશોને ભય પેદા થયો છે કે અમેરિકા ગમે ત્યારે આ સોનું હજમ કરી જશે, માટે તેઓ પોતાનું સોનું પાછું માગી રહ્યા છે.

અમેરિકાનું ફેડરલ રિઝર્વ ન્યુયોર્કમાં લિબર્ટી સ્ટ્રીટ પરના તેના મુખ્યાલયના ભોંયરામાં, જમીનની સપાટીથી ૨૫ મીટર નીચે વિશ્વભરની કેન્દ્રીય બેંકો, સરકારો અને સંસ્થાઓની માલિકીની પાંચ લાખથી વધુ સોનાની ઇંટોનું રક્ષણ કરે છે. આ ફેડરલ રિઝર્વનું ગોલ્ડ વોલ્ટ છે, જે વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ડિપોઝિટરી છે. તેમાં આશરે ૬,૩૦૦ ટન ગોલ્ડ બાર છે, જેની વર્તમાન કિંમત એક હજાર અબજ ડોલરથી વધુ છે.

આ તિજોરી ૯૦ ટનના સ્ટીલ સિલિન્ડર દ્વારા સુરક્ષિત છે. એક વાર બંધ થઈ ગયા પછી તેનાં મોટાં તાળાંઓ બીજા દિવસ સુધી ખોલી શકાતાં નથી. આ સોનાનો ભંડાર વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થાની સ્થિરતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે ઘણા દેશો અહીં પોતાનું સોનું સંગ્રહ કરે છે. આ સોનું તેમના ચલણને ટેકો આપવા અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે છેલ્લી સુરક્ષિત સંપત્તિ છે. રાજકીય અસ્થિરતા અને ફુગાવાને કારણે નાણાંકીય ઉથલપાથલના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે.

રશિયાની સેન્ટ્રલ બેંક તેના સોનાના ભંડારને તેના પોતાના પ્રદેશમાં રાખે છે, જે તેને પશ્ચિમી પ્રતિબંધોની સંભવિત અસરથી સુરક્ષિત રાખે છે. ઘણા યુરોપિયન દેશો હજુ પણ વિદેશમાં તેમના સોનાના ભંડાર રાખે છે. આમાંના ઘણા દેશોએ પોતાનું સોનું ન્યૂયોર્ક ગોલ્ડ વોલ્ટમાં રાખ્યું છે. ૧૯૫૦ના દાયકામાં યુરોપિયન સોનાના ભંડાર ત્યાં જમા થવા લાગ્યા હતા. તે સમયે, જર્મની અને અન્ય યુરોપિયન દેશો અમેરિકામાં વધુ ને વધુ નિકાસ કરી રહ્યા હતા. તેમને સોના અને ડોલરમાં ચૂકવણી કરવામાં આવતી હતી.

સોનું વહાણ કે વિમાનમાં લોડ કરવા અને શિપમેન્ટનો વીમો લેવા માટે પૈસા ખર્ચ થાય છે, તેથી આ દેશોએ વિચાર્યું કે તેને ફેડરલ રિઝર્વ વોલ્ટમાં રાખવું વધુ સારું રહેશે, કારણ કે ત્યાં તેને સંગ્રહિત કરવા માટે કોઈ ફી નથી. ૧૯૪૪માં બ્રેટન વુડ્સ નામના કરાર થયા, જેમાં અમેરિકાના ડોલરને રિઝર્વ કરન્સી તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તે સમયે સોના સાથે  ડોલર જોડાયેલો હતો. અમેરિકા કોઈ પણ દેશને ડોલર સામે  નિશ્ચિત વિનિમય દર મુજબ સોનું આપવા બંધાયેલું હતું. તેથી સોનું અને ડોલર સૌથી વિશ્વસનીય સંપત્તિ બન્યાં હતાં. યુદ્ધ પછી નબળી પડેલી યુરોપિયન શક્તિઓએ ફેડરલ રિઝર્વની દેખરેખ હેઠળ મુક્ત થાપણનો લાભ લીધો. બીજી બાજુ રશિયાની ધમકીને ધ્યાનમાં રાખીને અમેરિકન રક્ષણ શ્રેષ્ઠ ગેરંટી હતી.

હવે સોવિયેત યુનિયનનું પતન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાથી અમેરિકા અને તેના યુરોપિયન સાથીઓ વચ્ચે દાયકાઓથી ચાલી આવતી સંવાદિતામાં ભંગાણ પડ્યું છે. જર્મની પાસે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો ભંડાર છે, જે અમેરિકા પછી બીજા ક્રમે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ પાસે જર્મનીનું લગભગ ૧,૨૦૦ ટન સોનું છે, જેની કિંમત આશરે ૨૦૦ અબજ ડોલર છે. જર્મનીનું સોનું અમેરિકામાં રાખવા સામે ઘણા ભયજનક અવાજો ઉઠાવવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રી ઇમેન્યુઅલ મોન્ચે ન્યૂયોર્કમાં જર્મન સેન્ટ્રલ બેંક દ્વારા રાખવામાં આવેલું સોનું પરત કરવાની માંગણી કરી છે. મોન્ચ માને છે કે તેને પાછું મેળવવાથી જર્મનીને વધુ વ્યૂહાત્મક સ્વતંત્રતા મળશે.

તેઓ કહે છે કે વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને જોતાં અમેરિકામાં આટલો મોટો જથ્થો સોનું રાખવું જોખમી લાગે છે. તેવી જ રીતે, જર્મન ટેક્સપેયર્સ એસોસીએશનના પ્રમુખ માઈકલ જેગરે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ તરંગી છે અને આવક વધારવા માટે કંઈ પણ કરવા સક્ષમ છે. તેથી જ આપણું સોનું હવે ફેડરલ રિઝર્વના ખજાનામાં સુરક્ષિત નથી. જો ગ્રીનલેન્ડ અંગે ઉશ્કેરણી ચાલુ રહે તો શું? આનાથી બુન્ડેસબેંકના સોનાની માલિકી ગુમાવવાનું જોખમ વધે છે. તેથી તેણે તેના અનામત સોનાને ઘરે પાછું લાવવું પડશે. આ ચિંતા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝના પક્ષ અને અન્ય રાજકીય દળો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ન્યૂયોર્કમાં સોનાના ભંડાર ધરાવતો જર્મની એકમાત્ર યુરોપિયન દેશ નથી. ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડનું સોનું પણ ફેડરલ રિઝર્વ પાસે છે. નેધરલેન્ડે ૨૦૧૪ માં ફેડરલ રિઝર્વ પાસે જમા કરાયેલા તેના સોનાના અનામત ભંડોળની ટકાવારી ૫૧ ટકાથી ઘટાડીને ૩૧ ટકા કરી હતી. તે સમયે જર્મનીએ તેનાં કેટલાંક સોનાનાં બિસ્કિટ ઘરે પાછાં મંગાવી લીધાં હતાં, પરંતુ તેના મોટા ભાગનાં સોનાના બિસ્કિટ ન્યુયોર્કની તિજોરીમાં જ રહ્યાં હતાં.

આ સમય ગ્રીક દેવાં કટોકટી અને યુરોની કટોકટીનો હતો. ઘણાં વર્ષો પહેલાં, ૧૯૬૦ ના દાયકામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલે ડોલરના અચાનક અવમૂલ્યનના ડરથી ફેડરલ રિઝર્વમાં રાખેલી તેમના દેશની સોનાની ઇંટો પાછી મંગાવી લીધી હતી. સમયે તેમને સાચા સાબિત કર્યા હતા. ૧૯૭૧ માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડોલરની સોનામાં રૂપાંતરણક્ષમતા નાબૂદ કરી હતી. આનાથી બીજા વિશ્વયુદ્ધના અંતે રચાયેલી આંતરરાષ્ટ્રીય નાણાંકીય વ્યવસ્થા નબળી પડી હતી. આ કારણે ન્યૂયોર્કમાં રાખવામાં આવેલાં સોનાનાં બિસ્કિટની ડોલરમાં કિંમત રાતોરાત નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી.

ફેડરલ રિઝર્વના ગોલ્ડ વોલ્ટમાં હવે પહેલાં કરતાં ઓછું સોનું છે. ફેડરલ રિઝર્વના ડેટા અનુસાર, ૧૯૭૩માં તેના વોલ્ટમાં ૧૨,૦૦૦ ટનથી વધુ સોનું હતું. ત્યારથી ન્યુયોર્ક વોલ્ટમાં સંગ્રહિત આંતરરાષ્ટ્રીય સોનાના ભંડારની માત્રામાં સતત ઘટાડો થયો છે. યુરોપિયનો હજુ પણ ત્યાં સોનું રાખવાના વિચારને સમર્થન આપે છે. જર્મનીમાં IFO ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક રિસર્ચના ક્લેમેન્સ ફસ્ટે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે સોનું પાછું લાવવું એ વર્તમાન પરિસ્થિતિમાં આગમાં ઘી ઉમેરવા જેવું હશે અને તેનાં અણધાર્યાં પરિણામો આવી શકે છે.

યુરોપના દેશો દ્વારા તેમના સોનાની અનામતનો અમેરિકામાં સંગ્રહ કરવામાં આવે છે તેમ ભારત જેવા દેશો પોતાના સોનાનો સંગ્રહ લંડનમાં આવેલા બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વોલ્ટમાં કરે છે. ૨૦૨૩માં ભારતીય રિઝર્વ બેન્ક પાસે કુલ ૮૮૦ ટન જેટલું સોનું હતું, જેમાંનું ૫૬૪ ટન જેટલું સોનું લંડનના વોલ્ટમાં રાખવામાં આવ્યું હતું. ભારત સરકારને લાગ્યું કે આ સોનું ગમે ત્યારે જોખમમાં મૂકાઈ જાય તેમ છે, માટે તેણે સ્ટીમરો દ્વારા સોનું ભારતમાં લાવવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે ભારતીય રિઝર્વ બેન્કનું ૨૭૪ ટન સોનું ભારતમાં પાછું આવી ગયું, પણ હજુ બીજું ૨૯૦.૩૭ ટન જેટલું સોનું લંડન તથા ન્યુયોર્કના વોલ્ટમાં છે. ભારત સરકાર આ ૨૯૦.૩૭ ટન સોનું ભારત પાછું લાવવાના પ્રયાસો કરી રહી છે, પણ કોઈ ભેદી કારણોસર તેમાં વિલંબ થઈ રહ્યો છે. જો યુરોપના દેશો પોતાના સોનાની સુરક્ષા બાબતમાં અમેરિકાના ફેડરલ રિઝર્વ પર વિશ્વાસ ન રાખતા હોય તો આપણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પર વિશ્વાસ રાખ્યા વિના આપણું તમામ સોનું પાછું મંગાવી લેવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top