યુનેસ્કોનો ઐતિહાસિક નિર્ણય : દિવાળી હવે વિશ્વ ધરોહરની યાદીમાં
પાવાગઢમાં દીપ પ્રજ્વલિત કરી આનંદોત્સવ
હાલોલ |
ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર તરીકે માન્યતા આપી છે. આની ઉજવણી પાવાગઢ ખાતે દીપોત્સવ ઉજવી કરવામાં આવી હતી.

માનવસભ્યતાના પ્રકાશોત્સવના પ્રતિક રૂપે આ તહેવારને “અમૃત ઇન્ટેન્જિબલ હેરિટેજ” યાદીમાં સામેલ કરવાનો નિર્ણય દિલ્લીના લાલ કિલ્લા ખાતે યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં લેવાયો હતો. આ નિર્ણય ભારત માટે ગર્વની પળ ગણાઈ રહ્યો છે, કેમ કે દેશમાં પ્રથમવાર આવી બેઠક યોજાઈ અને તેમાં વિશ્વ સમક્ષ ભારતની પરંપરા, સંસ્કૃતિ અને ઉજાસની ઓળખ મજબૂત બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

યુનેસ્કોના આ ઐતિહાસિક નિર્ણયને અનુસંધાને પાવાગઢ યાત્રાધામ ખાતે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી. મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી, શોભાયમાન દીપ પ્રજ્વલન તથા ભક્તોમાં ઉત્સાહના માહોલ વચ્ચે દિવાળી વિશ્વ ધરોહર બન્યાનો આનંદ પ્રગટ કરવામાં આવ્યો.

પાવાગઢની પવિત્ર ધરતી પર દીપોની કિરણે ખાસ આભા ફેલાવી હતી અને ભક્તોએ ભારતની આ સાંસ્કૃતિક સિદ્ધિ માટે ગર્વ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: યોગેશ ચૌહાણ, હાલોલ
—