Vadodara

યુકે–ઓસ્ટ્રેલિયા વિઝાના નામે વડોદરામાં દંપતી સાથે ₹20 લાખની ઠગાઈ

ત્રણ મહિનામાં વિઝા અપાવવાનો ખોટો વાયદો, રૂપિયા ન પરત આપતાં ફરિયાદ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા દંપતીને યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ તથા વિઝિટર વિઝા બનાવી આપવાના બહાને ₹20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વિઝાનું કામ ન તો પૂર્ણ કરવામાં આવ્યું અને ન તો લેવામાં આવેલા રૂપિયા પરત આપવામાં આવતા, મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, સોમા તળાવ વિસ્તારમાં દર્શનમ એન્ટીલામાં રહેતા સ્નેહલબેન રવિકુમાર પટેલ અને તેમના પતિ વિદેશ જઈ નોકરી કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ દરમિયાન માંજલપુરના તુલસીધામ રોડ પર લીલેરીયા પેરામાઉન્ટમાં ‘એચ.પી. ઇન્ટરનેશનલ’ નામે વિઝા અને ઇમિગ્રેશન ઓફિસ ચલાવતા હીરલકુમાર કનુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો.
એજન્ટે યુકે માટે ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા ત્રણ મહિનામાં મળી જશે તેમ કહી કુલ ખર્ચ ₹22 લાખ બતાવ્યો હતો અને એડવાન્સ તરીકે એપ્રિલ 2025માં ₹5 લાખ રોકડા લીધા હતા. કરાર કર્યા બાદ પણ વિઝાનું કામ આગળ વધ્યું ન હતું. બાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝિટર/વર્ક વિઝા બનાવી આપવાની વાત કરી વધુ ₹15 લાખ લેવાયા હતા.
મેડિકલ ટેસ્ટ સહિતની પ્રક્રિયા કરાવી વિશ્વાસમાં લીધા બાદ પણ કોઈ વિઝા મળી ન આવ્યા. વારંવાર માંગણી છતાં રૂપિયા પરત ન આપતા દંપતીએ છેતરપિંડી થયાનો આક્ષેપ કર્યો છે.
આ મામલે માંજલપુર પોલીસે આરોપી હીરલકુમાર કનુભાઈ પટેલ (રહે. માંજરોલ, અમલપુર, તા. સંખેશ, જી. છોટા ઉદેપુર) સામે ₹20 લાખની ઠગાઈનો ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top