પ્રોફિટ બતાવી વિશ્વાસ જીત્યો, રૂ.20.87 લાખ ડૂબ્યા
(પ્રતિનિધિ) વડોદરા, તા.12
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના સેલ્સ મેનેજર સાથે યુએસ ડોલરમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ રૂ.20.87 લાખની ઠગાઈ આચર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શરૂઆતમાં થોડો નફો પરત આપીને વિશ્વાસ કેળવ્યા બાદ ઠગોએ મોટો ફ્રોડ કર્યો હોવાનું ફરિયાદમાં બહાર આવ્યું છે.
ફરિયાદ મુજબ, 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર ‘રિયા ગુપ્તા’ નામની આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવ્યા બાદ સંપર્ક વધ્યો હતો. બાદમાં ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટથી મોટો નફો મળે તેવી વાત કરી, એક આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ પ્લેટફોર્મ હોવાનું કહી ‘વિક્રમસિંહ’ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. શરૂઆતમાં માત્ર રૂ.10 હજારના રોકાણ પર નફો બતાવી વિશ્વાસમાં લીધો હતો.
ત્યારબાદ વિવિધ બેન્ક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ રૂ.21.67 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. વેબસાઇટ પર નફા સાથે રકમ દર્શાવવામાં આવતી હતી, પરંતુ હકીકતમાં માત્ર રૂ.80 હજાર જ પરત આપવામાં આવ્યા હતા. બાકીના રૂ.20.87 લાખ પરત ન આપતા મેનેજરે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી સોશિયલ મીડિયા, વોટ્સએપ અને બેન્ક ટ્રાન્ઝેક્શન્સના આધારે ઠગોનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.