એક જોડકણું સાંભળવા મળ્યું હતું, જેના શબ્દો કાંઈક આવા હતાઃ
‘મોગલાઈ ગઈ તગારે,
પેશવાઈ ગઈ નગારે અને
આવનાર સમયની સરકારો જશે પગારે’
અર્થ એવો કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, મોટાં મોટાં સ્થાપત્યો બાંધવામાં મોગલ સમ્રાટોએ તિજોરી તળિયાઝાટક કરી નાખી અને એને કા૨ણે છેવટે નાદારીની સ્થિતિમાં મુકાઈ ગયેલ મોગલ સલ્તનતનો વાવટો સમેટાઈ ગયો. મરાઠી પેશવાઓને એમના પૂર્વજો પાસેથી શૌર્ય અને મહાસામ્રાજ્ય વારસામાં મળ્યાં હતાં પણ ઉત્તરોત્તર પેશવાઓ નાચગાન અને રંગરાગમાં ડૂબતા ગયા, જેણે આખરે પેશવાઈને ડૂબાડી.
આજની સરકારો સામે એક મોટો પડકાર એમનાં કર્મચારીઓને વધતી જતી મોંઘવારીની સાથોસાથ વધારે ને વધારે પગાર ચૂકવવાનો તેમજ નવી જગ્યાઓ ઊભી થાય એટલે નવું ભારણ ઊભું કરવાનો આયામ લગભગ ફરજિયાત કરવો પડે છે. આ સરકારોનો મહેકમ ખર્ચ દિવસે દિવસે એટલો વધતો જાય છે કે એક દિવસ આવી સરકારો એના કર્મચારીઓનાં ભાડાં-ભથ્થાં અને પગારોની ચૂકવણીના બોજ હેઠળ ડૂબી જશે. આવનાર સરકારો પાસે આ કારણથી પોતાના મહેકમ ખર્ચમાં કાપકૂપ કર્યા વગર કોઈ છૂટકો નથી અને મોટા ભાગના દેશોમાં જ્યાં લોકશાહી ચૂંટણી પદ્ધતિઓ છે, સરકારો આવાં પગલાં લેવાથી ગભરાતી હોય છે, કારણ કે, એમ કરવાને કારણે એમની પાર્ટીનાં મતદારો કે જેમાં કર્મચારીઓ અને કુટુંબો પણ છે, તેમના ઉપર અવળી અસર થાય અને સરવાળે તેમણે સત્તાથી હાથ ધોવા પડે. એટલે ભારત હોય કે બ્રિટન કે પછી અમેરિકા, બધાને કર્મચારીઓના પગાર તેમજ તેમનાં યુનિયનોની માગણીનો બોજ ઉઠાવવો પડે છે.
બ્રિટનનાં પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચર લોખંડી મહિલા એટલા માટે કહેવાયાં કે એમણે બ્રિટનમાં ઊર્જાની ધોરી નસ એવા કોલસાની ખાણોનાં યુનિયનોની જોહુકમી અને હડતાળને તાબે નહીં થતાં એને સખત હાથે કચડી નાખી હતી. અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઊતર્યા ત્યારે એમણે એવી જાહેરાત કરી હતી કે તેઓ એલોન મસ્કના વડપણ હેઠળ ડીપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (DOGE-ડોજ)ની રચના કરશે અને સરકાર ઉપર નાણાંબોજ વધારતી હોય તેવી નોકરીઓમાંથી કર્મચારીઓની મોટા પાયે છટણી કરીને દેશની તિજોરી પર પડતો બોજ ઘટાડી સારા એવાં નાણાં બચાવશે જેના કારણે અમેરિકન નાગરિકને વધારાના કરવેરાનો બોજ સહેવો ના પડે.
આવી જ રીતે ધનવાનોને મોટા પાયે કરવેરામાં રાહત આપતું બજેટ આપીને અમેરિકાનાં ધનકુબેરોને ઊંચા કરવેરા ભરવામાંથી રાહત આપવાની તેમણે વાત કરી હતી. આ સંદર્ભે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે‘બીગ એન્ડ બ્યુટિફુલ બિલ’નામે અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેને અમેરિકન સેનેટ તેમજ કૉંગ્રેસે મંજૂર કર્યું અને પ્રેસિડેન્ટની એના પર સહી થતાં એ કાયદો પણ બન્યું છે. ધનકુબેરોને લાભ તેમ જ પ્રમાણમાં ઓછી આવકવાળાઓની મેડિકલ સહાય તેમજ અન્ય લાભો કાપી નાખતું આ બિલ અમેરિકાની સેનેટ તેમજ કૉંગ્રેસ બંને ગૃહોમાંથી મંજૂર થશે કે કેમ એવી સેવાતી શંકાઓનો છેદ ઊડી ગયો. ટ્રમ્પનું આવું જ એક બીજું ચૂંટણીવચન પૂરું કરતાં અમેરિકાની સંસદે ડોજની ભલામણો મુજબ બિનજરૂરી નોકરીઓ તેમજ ખર્ચામાં કાપ મૂકીને ૯ અબજ ડૉલર જેટલી રકમ બચાવતું બિલ મંજૂર કર્યું છે.
આ કાપકૂપમાં વિદેશોને સહાય તેમજ પબ્લિક બ્રોડકાસ્ટિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આમાંના ૮ અબજ ડૉલર આ અગાઉ કોંગ્રેસે મંજૂર કરેલા યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટર નેશનલ ડેવલોપમેન્ટ (યુએસ-એઈડ) કાર્યક્રમમાં સંપૂર્ણ કાપ મૂકીને જ્યારે બીજા ૧.૧ અબજ ડૉલર પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને આપવામાં આવતા ફંડમાં કાપ મૂકીને બનાવવામાં આવશે. ટ્રમ્પ અને રૂઢિચુસ્ત વિચારસરણીવાળાં સભ્યો માટે અમેરિકન સરકારના દિવસે દિવસે વધતા જતા ખર્ચાઓમાં કાપ મૂકતું આ બિલ નૈતિક વિજય સમાન છે. જો કે આ મુદ્દાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના કેટલાક મજબૂત અને વિશ્વાસપાત્ર ટેકેદારો વચ્ચે તિરાડ ઊભી કરી હતી.
આમ ડોજ સંદર્ભે ટ્રમ્પે ચૂંટણી પહેલાં જે ઉચ્ચારણો કર્યાં હતાં અને ત્યાર બાદ ટ્રમ્પની સાથે કામ કરતા સૌ સભ્યોમાં વધારેમાં વધારે શક્તિશાળી અને દુનિયાના પ્રથમ નંબરના ધનાઢ્ય એલોન મસ્કને આ કામ સોંપવામાં આવ્યું હતું તેમાંથી કેટલુંક આ કાયદો પસાર થતાં પૂરું થાય છે. જો કે શરૂઆતમાં એકબીજા પર ઓળઘોળ થઈ જનાર અને અત્યંત નિકટતાનો દાવો કરનાર ટ્રમ્પ અને એલોન મસ્કનું આ હનીમુન અંદાજે બે મહિના જેટલો સમય જ ટક્યું અને હવે આ બંને જણા એકબીજાની સામસામે આવી ગયા છે અને રોજબરોજના ધોરણે એમની વચ્ચે કોઈક ને કોઈક મુદ્દે ઘર્ષણ થતું રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળને છ મહિના થઈ ગયા છે. તેમના ટેરિફ વધારવાના એજન્ડાએ દુનિયાભરમાં ઉહાપોહ મચાવ્યો છે. ટ્રમ્પની નીતિઓની યુએસ અર્થતંત્ર પર અસરો ચિંતાજનક છે. હજુ તો ટ્રમ્પનો સંપૂર્ણ ટેરિફ એજન્ડા અમલમાં પણ નથી. હાલમાં, યેલ બજેટ લેબના ડેટા અનુસાર, સરેરાશ યુએસ ટેરિફ દર ૧૬.૬ ટકા છે અને ૧ ઓગસ્ટથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થાય તો યુએસ ટેરિફ ૨૦.૬ ટકા થશે. પ્રવર્તમાન દર ગયા વર્ષે હતો તેના કરતાં લગભગ સાત ગણો વધારે છે. પરંતુ કંપનીઓએ તેમના પ્રિ-ટેરિફ ઇન્વેન્ટરીઝ ઘટાડીને અર્થતંત્રમાં ઊંચા ભાવોને નિયંત્રિત કર્યા છે.
જો ટેરિફની મુદ્દત લંબાય તો પણ, સ્ટોક ઘટશે અને હાલની ડ્યુટીના આધારે કિંમત વધશે કેમ કે ઉનાળા સુધીમાં મોટા ભાગની ઇન્વેન્ટરીઓ ખતમ થઈ જશે.યુએસ અર્થતંત્ર હાલ ધીમું પડી રહ્યું છે. નોકરીઓ, હાઉસિંગ અને છૂટક બજારો ઘટી રહ્યાં છે. અનિશ્ચિતતાનું વાતાવરણ ફેડરલ રિઝર્વને વ્યાજ દરોમાં ઘટાડો કરવાથી રોકી રહ્યું છે. જેથી લાંબા ગાળાના વ્યાજ દરોમાં વધારો થશે અને યુએસ ઇક્વિટીનું મૂલ્ય વધશે. ટ્રમ્પના તાજેતરમાં પસાર થયેલા નાણાંકીય બિલથી અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો થવાની આશા નથી. જો ટ્રમ્પ ટૂંક સમયમાં તેમના એજન્ડાથી પીછેહઠ નહીં કરે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.