Business

યાત્રાધામની હોનારતો: કોણ જવાબદાર?

શ્રી વૈષ્ણોદેવી યાત્રાધામ બોર્ડ અને શ્રી અમરનાથ યાત્રાબોર્ડ સરકારી નિયંત્રણ હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ કેટલી કાર્યદક્ષ હોઇ શકે તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ હતાં. શ્રી વૈષ્ણોદેવી માતાના યાત્રાધામ બોર્ડની રચના પછી શ્રી અમરનાથ યાત્રાધામ બોર્ડની રચના થઇ હતી. શ્રી વૈષ્ણોદેવી યાત્રાધામ બોર્ડની રચના જમ્મુ કાશ્મીરના તે સમયના રાજયપાલ જગમોહનની કલ્પનાની નિપજ હતી અને હજી ગયા વર્ષ સુધી એટલે કે હોનારત થઇ ત્યાં સુધી એક યાત્રાધામની વ્યવસ્થા માટે નમૂનારૂપ બની ગયું હતું.

શ્રી વૈષ્ણોદેવી યાત્રાધામ બોર્ડ ૧૯૯૦ ના મધ્યમાં રાજયપાલ તરીકે જગમોહનનું શાસન હતું ત્યારે રચાયું હતું. તે પહેલાં આ યાત્રાના સંચાલનમાં ગેરવહીવટ અને અંધાધૂંધીની વ્યાપક ફરિયાદો આવતી હતી. શ્રી અમરનાથ યાત્રા બોર્ડની રચના તે વખતના મુખ્ય પ્રધાન ડો. ફારૂખ અબ્દુલ્લાની સરકાર દ્વારા ઇ.સ. ૨૦૦૦ ની સાલમાં થઇ હતી. આ બંને બોર્ડ ખોટાં કારણસર તાજેતરમાં સમાચારમાં આવ્યા છે. છેલ્લા છ મહિનામાં બરડ બનતી જતી હિમાલયની હારમાળાને કારણે માનવસર્જીત / કુદરતી આફત આવી અને તેને કેન્દ્રની સરકાર તથા રાજયના વહીવટી તંત્રે ચેતવણીના ઘંટ તરીકે લેવી જોઇએ. પણ મહાનુભાવોની યાત્રા સિવાય જડબેસલાક વ્યવસ્થા કોઇ વર્ષે થતી નથી.

તા. ૩૧ મી ડિસેમ્બર, ૨૦૨૧ ની રાતે બેકાબૂ બનેલી દર્શનાર્થીઓની ભીડની દોડધામને કારણે ૧૨ માણસો મરી ગયાં અને કુડીબંધ ઇજા પામ્યા, પણ આ ઘટનાની વીડિયો ચોકકસપણે ગેરવહીવટી અને ખુવારીની ગંભીરતા બતાવે છે. તે વખતના મુખ્ય સચિવ શાલીન કાબ્રાની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચાઇ હતી અને તેણે એક અઠવાડિયામાં હેવાલ આપવાનો હતો. આજે છ મહિનાથી વધુ સમય થયો: કયાં છે હેવાલ? દોડધામ માટે કારણભૂત બનેલી ગેર વ્યવસ્થા છુપાવવા હેવાલ જાજમ નીચે સંતાડી દેવાયો છે? અત્યાર સુધીમાં કોઇકને તો ઘેર બેસવું પડે તેમ હતું.

આ દેખીતી રીતે માનવસર્જીત હોનારત હતી અને તે ફરી નહીં બને તે માટે કોઇકની તો જવાબદારી નકકી થવી જોઇતી હતી. શ્રી અમરનાથ યાત્રાધામની હોનારત વાદળ ફાટવાથી / વધુ પડતા સ્થાનિક વરસાદથી થઇ છે, પણ હજી સ્પષ્ટતા નથી થઇ, પણ તેને માટે પણ માનવી ઘણો જવાબદાર છે. ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ રહે તો તંબુઓ કેમ બાંધવા દેવાયા? ગયા વર્ષે પણ આવું જ થયું હતું, પણ સદ્‌ભાગ્યે જાનહાનિ થઇ ન હતી કારણ કે કોવિડ-૧૯ ને કારણે યાત્રા અટકાવી દેવાઇ હતી. ત્યાં ફરજ બજાવતા જવાનો સ્હેજમાં બચી ગયા હતા.

વૈષ્ણોદેવીની હોનારતનો હેવાલ હજી આવ્યો નથી, પણ અમરનાથની હોનારતની તપાસનો હુકમ પણ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રે કર્યો નથી. આવું જ ચાલતું રહેશે તો યાત્રાળુઓને વિશ્વાસ કેમ બેસશે? બંને યાત્રામાં આવતાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો હોવાનાં બણગાં ફૂંકવાથી કંઇ વળવાનું છે? યાત્રાળુઓની સુરક્ષા અને પર્યાવરણની રક્ષા થશે તો શ્રધ્ધાળુઓની આસ્થા વધશે. આસ્થાળુઓ માટે અત્યંત સંવેદનશીલ બની રહેલાં આ યાત્રાધામોની તેમ જ બરડ બનતા જતા કુદરતી પર્યાવરણની – બંનેની રક્ષા એકબીજા સાથે સંકળાયેલાં છે. તેથી આ યાત્રાધામોની સુરક્ષા ફકત અધિકારીઓ પર છોડી દેવાવી નહીં જોઇએ.

હકીકતમાં આ યાત્રાધામોની સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા એક બીજા પર આધારિત છે અને નિષ્ણાતો, ખાસ કરીને પર્યાવરણવાદીઓએ આ યાત્રાના સંચાલન અને આયોજનમાં મોટી ભૂમિકા ભજવવાની છે અને તેમાં સુરક્ષા નિષ્ણાતોની ભૂમિકા અલગ છે. અમરનાથનું શિખર હિમાલયની હારમાળાનો ભાગ છે અને તેની એક તરફ ઝોજિલ્લાઘાટ છે અને બીજી તરફ મચોઇ હિત નદી છે. આ સંદર્ભમાં છેલ્લાં થોડાં વર્ષોથી વાદળ ફાટવાના / વધુ પડતા વરસાદના જે બનાવ બને છે તેને ચેતવણીના સંકેત તરીકે ધ્યાનમાં લેવાવા જોઇએ.

એ જ રીતે શ્રી વૈષ્ણોદેવી યાત્રાધામમાં દર વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધતી જતી હોવાથી તેના ત્રિકુટા પર્વત પર દબાણ વધતું જાય છે. આમ સદરહુ વિસ્તારમાં પરિસ્થિતિ અને પર્યાવરણના સંદર્ભમાં આ તમામ પરિબળો ધ્યાનમાં લેવાં જોઇએ. તે પ્રમાણે વધુ પ્રમાણમાં રસ્તા અને ઇમારતો બનતાં રહેશે તો આગામી વર્ષોમાં સમસ્યા વધશે. યાત્રીઓની વધતી સંખ્યાનાં દર વર્ષે ગાણાં ગાવાથી સફળતાની કોઇ નિશાની નહીં મળે. યાત્રાળુઓની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી સફળતાના નિર્ણાયક બનશે. નહીં તો ભવિષ્યમાં આવી વધુ હોનારતો માટે તૈયાર રહેવું પડશે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top