અધિકારીઓ માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અવસર, ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અપીલ
વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત શહેરના વિકાસકાર્યોની કરાઈ સમીક્ષા
શહેરના વિકાસકાર્યો અને વિશેષ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં પાલિકાની રિવ્યૂ બેઠક મળી હતી. જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા. સાથે જ આ બેઠકમાં પાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં શહેરમાં ચાલતા તમામ કામો અને વિશેષ રૂપે વિશ્વામિત્રીનું કામમાં અધિકારીઓને તાકીદે કામ પૂર્ણ કરવા અને બેદરકારી ન દાખવવા કડક સૂચનાઓ આપવામાં આવી.
આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પાલિકા અધિકારીઓને શિસ્તબદ્ધ અને ઝડપી કામગીરી માટે કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી, જેમાં જવાબદાર અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં યોજાયેલી બજેટ બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષે અધિકારીઓની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠક દરમિયાન, કમિશનર દિલીપ રાણા અને ડૉ. શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં સંદેશ આપ્યો કે, આ એક ઐતિહાસિક તક છે, જેમાં તેઓએ પોતાની સમગ્ર ક્ષમતાનો ઉપયોગ કરી શહેરના મહત્વપૂર્ણ વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રાથમિક કામને ઝડપથી પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. સાથે જ શહેરના તમામ પ્રોજેક્ટોને નિયત ગતિએ આગળ વધારવા પણ કહેવામાં આવ્યું હતું.