Godhra

મોરવા હડફના સાગવાડા ગામેથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો ફટાકડાનો રૂ. 4.37 લાખનો જથ્થો ઝડપાયો

પ્રતિનિધી ગોધરા તા.05

મોરવા (હડફ) તાલુકાના સાગવાડા ગામે SOG પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલો ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મોરવા હડફના સાગવાડા ગામમા ગણપતભાઈ રાવલ તેમના ઘરે કોઈપણ પરવાના વગર ગેરકાયદેસર રીતે ફટાકડા રાખી તેનું વેચાણ કરતા હતા.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ. 4,37,400ની કિંમતના ફટાકડા જપ્ત કર્યા છે.
પોલીસ ટીમે બે પંચો સાથે સાગવાડાના ઉમરદેવી ફળિયામાં રહેતા ગણપતભાઈ રૂપાભાઈ રાવતના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગણપતભાઈના ઘરની ઓસરીના ભાગેથી અલગ-અલગ થેલાઓ અને બોક્સમાં ભરેલા ‘કમાન્ડો વિઠ્ઠલ ફાયર વર્ક્સ’ લખેલા કુલ 3,645 જેટલા એટમ (સુતળી) બોમ્બના પેકેટ મળી આવ્યા હતા.
ગણપતભાઈ રાવત ફટાકડાના આટલા મોટા જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈપણ પ્રકારનો પરવાનો કે લાઈસન્સ રજૂ કરી શક્યા નહોતા. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જથ્થો તેમને અમદાવાદના યતીન ઉર્ફે સન્ની અશોકભાઈ શર્મા નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો.
અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં, ફાયર સેફ્ટીના કોઈ સાધનો વગર આટલો મોટો જથ્થો સંગ્રહ કરીને ગણપતભાઈએ પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી. પોલીસે ગણપતભાઈ રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top