Charchapatra

મોબાઈલ, માહિતી અને જ્ઞાન

મોબાઈલ એ હવે આપણા જીવનનું અંગ બની ગયો છે. પ્રધાન મંત્રીથી માંડીને પટાવાળા સુધી અને બાર વરસના બાળકથી શરૂ કરી બાણુ વરસના બુઢ્ઢા અને બુઢ્ઢી સુદ્ધાં એની માયાથી મુકત નથી. જો કોઈ માહિતી જોઈએ તો ગુગલ એપ પર જાવ તો તરત મળી જશે. ‘કર લો દુનિયા મુઠ્ઠીમેં’..એવું જ કંઇક. ઉપરાંત મેસેજ ફોરવર્ડ કરતાં જરૂરી બિનજરૂરી માહિતીના એડમીન ગ્રુપના આખા દિવસ દરમિયાન આપણા પર ઝીંકાતા ઢગલાની તો વાત જ પૂછો ના. આનો પહેલો ભોગ આપણી સ્વતંત્ર વિચારશક્તિ બને છે.મોબાઈલ સંવાદનું માધ્યમ પહેલાં છે અને પછી માહિતી બીજા ક્રમે આવે છે.

કમનસીબે આજની યુવા પેઢી આવી લેટેસ્ટ માહિતી કે જાણકારીને જ જ્ઞાન અને ડહાપણ સમજી બેઠી છે એ એક મોટો ભ્રમ છે. કોઈ એક પુસ્તક શેનું, કયા વિષયનું છે એ માહિતી છે પણ એને વાંચવું અને પરિશીલન કરવું એ જ્ઞાન છે. માહિતી અને જ્ઞાન બંને અલગ પણ છે તો સાથે જ એકબીજાના પૂરક પણ છે. માહિતીનો અતિરેક મનને ક્ષુબ્ધ કરી મૂકે છે જ્યારે જ્ઞાન શાંતિ પમાડે છે.માહિતી એ દિવેટ છે તો જ્ઞાન એ દીવાની જયોત છે.કોઈ પણ વિષય કે વસ્તુની માહિતી મિનિટોમાં મળી શકે છે, પણ એના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કલાકો નીકળી જાય છે. માહિતી એ દિશા છે તો જ્ઞાન એ દિશા બતાવનારું હોકાયંત્ર છે. આજે માણસ માધ્યમોના પ્રચાર અને પ્રસારને કારણે માહિતીનો ભંડાર બની બેઠો છે. પરિણામે સમાજની આધારશિલા જેવા સમાજસેવકો ચિંતકોની સંખ્યા ઘટતી જાય છે. આપણી આસપાસ જ્ઞાનની હરતી ફરતી વિદ્યાપીઠ કહી શકાય એવી કેટલી હસ્તી બચી હશે?
સુરત-પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top