કાળ બનીને ત્રાટકી લોખંડની એંગલો, પણ ડ્રાઈવરનું નસીબ લોખંડ કરતા પણ વધુ મજબૂત નીકળ્યું
વડોદરા-અમદાવાદ હાઈવે પર મોત સાથે ‘લોખંડી’ જંગ, દેણા-વિરોદ બ્રિજ પાસે કારને બચાવવા જતાં સર્જાયો વિચિત્ર અકસ્માત



(પ્રતિનિધિ), વડોદરા. તા.4
વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર દેણા-વિરોદ બ્રિજ પાસે આજે એક કાળજું કંપાવી દે તેવો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલર ગાડીને બચાવવા જતાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી. આ આંચકાને કારણે ટ્રકમાં ભરેલી ભારેખમ લોખંડની એંગલો પાછળથી ધસી આવી હતી અને ડ્રાઈવર કેબિનને ફાડીને અંદર ઘુસી ગઈ હતી. લોખંડની એંગલોની વચ્ચે ફસાયેલા ડ્રાઈવરનો આબાદ બચાવ થતા લોકોએ કુદરતનો કરિશ્મા અનુભવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી લોખંડની એંગલો ભરેલી ટ્રક GJ 12 BX 8933 જ્યારે દેણા-વિરોદ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આગળ જતી એક ફોર-વ્હીલર ગાડી સામે આવી ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં ટ્રક ડ્રાઈવરે બ્રેક મારી હતી. ત્યારે પાછળ રહેલી લોખંડની એંગલોનું વજન આગળ તરફ ધસી આવ્યું હતું. આ એંગલો એટલી પ્રચંડ તાકાતથી આગળ આવી કે તેણે લોખંડની ડ્રાઈવર કેબિનને કાગળની જેમ ચીરી નાખી હતી. ડ્રાઈવર લોખંડના સળિયા અને એંગલોની વચ્ચે ફસાઈ ગયો હતો. બનાવ બનતા કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ભારે જહેમત બાદ ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે ડ્રાઈવરને કોઈ જીવલેણ ઇજા થઈ ન હતી. જેથી રામ રાખે તેણે કોણ ચાખે કેહવત સાચી પડી હતી.