જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા રૂ.8.64 લાખના મુદ્દામાલ સાથે ગેંગના મુખ્યા સહિત ચાર સાગરીતોને કિશનવાડી વુડાના મકાનમાંથી ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યાં
સંબંધીના ઘરે વુડાના મકાનમા રોકાતા વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોની રેકી કર્યાં બાદ રાત્રીના સમયે ટાર્ગેટ કરતી હતી, ચોરી કર્યા બાદ ગેંગ પરત પોતાના ગામ ભાગી જતી હતી, તરસાલી તથા સમા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ કરનાર પણ આજ ગેંગ
પ્રતિનિધિ વડોદરા તા.28
વડોદરા શહેરના તરસાલી તથા સમા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ તથા જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બે મકાનોને ટાર્ગેટ કરનાર વડવા ગેંગના ચાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે કિશનવાડી વુડાના મકાનમાંથી ઝડપી પાડ્યાં હતા. તેમની પાસેથી રૂ. 8.64 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સંબંધીના ઘરમાં રોકાઇને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનો ટાર્ગેટ કરતી હોવાની ગેંગના મુખ્યાએ કબૂલાત કરી છે. જેમાં જવાહરનગર પોલીસ સ્ટેશનના બે ચોરીના ભેદ ઉકેલાયા છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ચડ્ડીયનધારી ગેંગ મોડી રાત્રીના સમયે ચોરી કરવા માટે ત્રાટકતી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દરમિયાન જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બે મકાનને મોડી રાત્રીના સમયે નિશાન બનાવી ચડ્ડી બનિયાન ધારી ગેંગ ચોરી ફરાર થઇ ગઇ હતી. પોલીસના નાકમાં દમ કરનાર આ ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝડપી પાડવા માટે છેલ્લા ઘણા દિવસોથી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે ચોરીના ગુનાને અંજામ આપનાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા વડવા ગામે રહેતો અને અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો તેમજ હાલમાં ગુજરાતના વિવિધ સ્થળો પર ચોરી કરતો રિઢો આરોપી મુકેશ મથુર માવીએ તેના સાગરીતો કમલેશ માવી, સુખરામ માવી તથા પંકેશ માવી સાથે મળીને વડવા ગેંગ ઉભી કરી હતી. વડોદરા શહેરના કિશનવાડી વુડાના મકાનમાં આ ગેંગ રોકાઇને વિવિધ વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરી કરી પોતાના ગામ ભાગી જતી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત વોચ રાખી હતી. દરમિયાન આ ગેંગ કિશનવાડીના મકાનમાં 27 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે રોકાઇ હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વુડાના મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી ચાર આરોપી ઝડપાઇ ગયા હતા. તેઓએ પલંગના ગોદડાની નીચે તપાસ કરી હતી ત્યારે સોના ચાંદીના દાગીના પ્લાસ્ટિકની થેલીમાં મુકેલા મળી આવ્યા હતા. જેથી તેમની પાસે દાગીના બિલ માગતા ન હતા. જેથી તેમની કડકાઇથી પૂછપરછ કરી હતી ત્યારે મુકેશ માવીએ અમે વડવા ગેંગ બનાવી છે અને રાત્રીના સમયે તેના ભાઇ પંકેશ તથા ગામના અન્ય બે શખ્સો સાથે ચડ્ડી બંડી ધારણ કરીને બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને જેથી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી રૂ. 8.64 લાખનો મુદ્દામાલ કબજે કરીને જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
મુકેશ મથુર માવી, કમલેશ મંગલસિંહ માવી, સુખરામ ગલા માવી તથા પંકેશ મથુર માવી (રહે. વડવા ગામ બિલવાલ ફળિયું તા. ગરબાડા. જિ.દાહોદ)
– વડવા ગેંગમાં મુકેશ માવી અને પંકેશ માવી સગા ભાઇ
આરોપી મુકેશ માવીએ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ આ ચોરીને અંજામ આપ્યો છે. ઉપરાંત સાગરીતો સાથે મળીને વડોદરાના જવાહરનગર, પાલનપુરા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં પણ ચડ્ડી બનિયાન ધારણ કરીને ચોરીને અંજામ આપ્યા હતા. વડોદરાના તરસાલી તથા સમા વિસ્તારમાં પણ મોડી રાત્રીના સમયે ચોરી કરવા માટે આવ્યાં હતા અને ગેંગ સીસીટીવી કેમેરામા કેદ થઇ ગઇ હતી. ગેંગમાં સામેલ મુકેશ માવી અને પંકેશ માવી સગા ભાઇ છે.
- રોડથી થોડા દુર હોય તેવા બંધ મકાનોને ગેંગ ટાર્ગેટ કરતી હતી
ચડ્ડી બનિયાધારી ગેંગની ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા ઘણા દિવસોથી ગેંગની માહિતી મેળવવાની તજવીજ કરતી હતી. દરમિયાન આ દાહોદ જિલ્લાના વડવા ગામે રહેતા મુકેશ માવીએ ઉભી કરેલી વડવા ગેંગ હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત કિશનવાડીના વુડાના મકાનમાં રોકાઇ મોડી રાતે રોડથી દુર હોય તેવા મકાનોને આ ગેંગ ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી હતી. આ ગેંગને પકડવામાં ટીમને સફળતા સાંપડી છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરી લેવાયો છે. હિમાંશુ વર્મા, ડીસીપી ક્રાઇમ