શહેરના વાડી વિસ્તારમાં મટન માર્કેટના વેપારીઓએ રૂ. 1.50 કરોડ જેટલું ભાડું ચૂકવ્યું નથી, જેના પગલે
પાલિકા તંત્ર અને દબાણ શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં માર્કેટના ચારેય દરવાજા સીલ કરી દીધા સંપૂર્ણ ભાડું ચૂકવ્યા બાદ જ માર્કેટનું સીલ ખોલાશે
અધિકારીઓની હાજરીમાં પોલીસ કાફલો તૈનાત, ટોળેટોળા લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા
વડોદરા: વાડી વિસ્તારમાં આવેલ મોગલવાડા મટન માર્કેટમાં 15 વર્ષથી ભાડા બાકી પડવાના કારણે મોટો મામલો ઊભો થયો છે. શહેરના વાડી પોલીસ સ્ટેશન અને વોર્ડ નંબર 14માં આવેલા આ મટન માર્કેટમાં કુલ 21 વેપારીઓને ભાડા પદ્ધતિથી ઓટલાઓ ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એક વેપારીએ જ ભાડું ચુકવ્યું છે. બાકી રહેલા 20 વેપારીઓના કુલ રૂ. 1.50 કરોડ જેટલા ભાડા ૧૫ વર્ષથી બાકી રહ્યા હતા.
પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપ્યા છતાં ભાડા ન ભરાતા, આજે માર્કેટ શાખાના સુપરિટેન્ડન્ટ ડો. વિજય પંચાલ અને દબાણ શાખાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મટન માર્કેટના ચારેય દરવાજા સીલ કરી દેવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન વાડી ઝોનના એસીપી ગૌતમ પલસાણા અને પોલીસ કાફલો પણ હાજર રહ્યા હતા. ટોળેટોળા લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા, જેમને પોલીસ દ્વારા શાંતિથી સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
માર્કેટ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે તમામ વેપારીઓ પૂરું બાકી ભાડું ચુકવી આપ્યા બાદ જ મટન માર્કેટનું સીલ ખોલી વેપાર માટે મંજૂરી આપવામાં આવશે. આ પગલાથી વાડી વિસ્તારમાં વેપાર અને ભાડા વ્યવસ્થામાં કડક નિયંત્રણ લાવવામાં આવ્યો છે અને ભાડા બાકી પડવાના મુદ્દે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.