સાવલી તાલુકાના મોકસી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને વાંચતા ન આવડતાં હોવાના કારણે શિક્ષિકાએ માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર તાલુકામાં પડ્યા છે અને વાલીગણ તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોકસી ગામની પ્રાથમિક શાળામાં પાંચમું ધોરણ ભણાવતી શિક્ષિકા મુગાષ્ટી મેડમ પર પોતાના વર્ગના વિદ્યાર્થીને કડક સજા તરીકે ઢોર માર માર્યાનો આરોપ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકાની ક્રૂર વર્તનથી શાળા વિવાદમાં આવી ગઈ છે.

વિદ્યાર્થીના વાલી પ્રકાશભાઈ ઓડના જણાવ્યા મુજબ ગતરોજ શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન તેમનો પુત્ર યોગ્ય રીતે વાંચી ન શકતાં શિક્ષિકા ભારે ગુસ્સે થઈ ગયા હતા. તેમણે લાકડી અથવા ફૂટપટ્ટી વડે વિદ્યાર્થીના ખભા અને બરડા ના ભાગે બેફામ માર માર્યો હતો. મારના કારણે બાળક આજે શાળાએ પણ જઈ શક્યો નથી. વાલીએ દોષિત શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે.
બાળકની હાલત જોઈ માતા-પિતાએ શાળાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને અન્ય વાલીઓ શાળાએ એકત્રિત થયા હતા અને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ગ્રામજનોની ચર્ચા મુજબ આ શિક્ષિકાએ ભૂતકાળમાં પણ અન્ય બાળકોને માર માર્યાના બનાવો થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આ સમગ્ર મામલે વાલીગણ અને ગ્રામજનોએ શાળા આચાર્યને લેખિત રજૂઆત કરી દોષિત શિક્ષિકા સામે નિયમ મુજબ તેમજ દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોને શારીરિક સજા ન આપવાની બાબતે વારંવાર માર્ગદર્શિકા (ગાઇડલાઇન) બહાર પાડવામાં આવી છે. તેમ છતાં આવી ઘટનાઓ શિક્ષણ જગતને કલંકિત કરી રહી છે અને સિસ્ટમની ગંભીર બેદરકારી દર્શાવે છે. બાળકોને પ્રેમ અને સમજણથી શિક્ષણ આપવાના બદલે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે શરમજનક બની રહી છે.
હાલ આ મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાના ચગડોળે છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગ આ શિક્ષિકા સામે કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે.