Savli

મોકસીની શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કંપનીમાં 22 વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત

લોકો ધરણા પર બેસી જતા કંપનીના સંચાલકો રૂ. 21 લાખનું વળતર આપવા માન્યા

સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં મોકસી ગામ પાસે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 22 વર્ષીય યુવકને ગભરામણ થતા સારવાર બાદ મૃત્યુ નિપજતા કરણી સેનાએ મોરચો ખોલતા કંપની સત્તાવાળા દ્વારા 21 લાખનું વળતર આપવાની જાહેરાત કરતા મામલાનો અંત આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સાવલીનાં મોક્સી ગામ પાસે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. જેમાં ગત રોજ અજીતસિંહ ગણપતસિંહ મહીડા, ઉમર 22, રહે. શેરખી મહીડા વગોને ચાલુ નોકરી દરમિયાન અચાનક પોતાના કેબિનમાં ગભરામણ થઈ હતી. કંપની દ્વારા યુવકને 108 દ્વારા ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ વડોદરા સારવારમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતા પરિવારમાં શોક lનું મોજું ફરી વળ્યુ હતું. છેલ્લા 24 કલાક થઈ ગયા તેમ છતાં પણ કંપની સત્તાધીશો દ્વારા મોતને પગલે મૌન ધારણ કરતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ભારે લોકટોળા કંપની સામે ભેગા થયા હતા. તેવામાં કરણી સેનાના લખન દરબાર મૃતકના પરિવારની વહારે આવ્યા હતા.

તેમણે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ સામે મૃતક અજીતસિંહ મહીડાને ન્યાય અને યોગ્ય વળતર ની માંગ સાથે મોરચો માંડ્યો હતો.. મોટી સંખ્યામાં લોકો લખન દરબારની આગેવાની હેઠળ કંપની સામે ધરણા ઉપર બેઠા હતા. અચોક્કસ મુદતના ધરણાં અને મૃતકના પરિવારને યોગ્ય વળતર કે ન્યાય નહીં મળે તો અન્ન જળ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અંતે કંપની સત્તાવાળા દ્વારા 21 લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો

Most Popular

To Top