હાલમાં જ જાણવા મળ્યું કે હાર્વર્ડનાં રિવ્યુનાં ફેબ્રુઆરી ૨૦૨૫નાં અંકમાં મૈત્રીમાં આવેલ મંદી અંગે એક ધ્યાન દોરતો લેખ લખાયો છે. એક નોંધ પાત્ર અમેરિકન સર્વેક્ષણમાં જણાયું છે કે, “મારે કોઈ અંગત મિત્રો નથી’’ એવું કહેવાવાળા પુખ્ત વયના લોકોની સંખ્યા અનેક ઘણી વધી છે. વળી સર્વેક્ષણ એવું પણ જણાવે છે કે હવે એકલા બેસીને જમવું એ માનનારાઓની સંખ્યા પણ લગભગ ૨૯% જેટલી વધી છે. હવે એકાંતપણું જીવનની પસંદગી માપદંડ બની ગયું છે અને જો આમને આમ જ ચાલશે તો મૈત્રીના સબંધો વિકસાવવાની વાત તો દૂર રહી પણ જે મૈત્રી છે તેને નિભાવવી પણ દુષ્કર બની જશે.
જો આપણે બધા આ અંગે જાગૃત ન થઈશું તો ભવિષ્યમાં આપણે જીવનનો આનંદ અને આપણી તંદુરસ્તી પર પણ તેની અસર જોઈશું. આપણે જોઈએ છીએ કે જાહેર સંસ્થાઓ, ધાર્મિક પ્રવૃતિઓમાં, ખેલકૂદમાં ધીમે ધીમે સંખ્યા ઘટતી જાય છે અને આપણે સોશ્યલ મિડીયા, પોતાના કુટુંબો, વાલીપણું અને પાલતું પ્રાણીઓની દેખભાળમાં વધુ વ્યસત રહીએ છીએ. હજી ઘણું મોડું થયું નથી આપણે સમયસર જાગૃત થવાની અને મૈત્રીનાં સબંધો જેમ બને તેમ વધુ વિકસાવવાના પ્રયત્ન કરવા જોઈએ. હા, પણ મિત્રતાના દિવસે મૈત્રીનો પટ્ટો જ બાંધવાથી મૈત્રી થતી નથી.
નાનપુરા, સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.