કાલોલ તાલુકાના મેદાપુર ગામે આવેલી કરાડ નદીમાંથી મોટે પાયે રેતી ખનન થતું હોવાની મળેલી માહિતીને આધારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ગુરૂવારના રોજ ઓચિંતી રેડ થઈ હતી. જેથી રેતી ભરતા ટ્રેક્ટર ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ખનીજ વિભાગના અધિકારીઓ ખાનગી વાહનમાં ગયા હોવાથી ખનન માફિયાઓ ઓળખી શક્યા ન હોય અધિકારીઓ સાથે ઝપાઝપી પણ થઈ હોવાની માહિતી મળી છે. કેટલાક ટ્રેકટર ચાલકો અને રેતી ભરતા માણસો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સામે થઈ ગયા હતા અને મારવા દોડ્યા હોવાની વિગતો બહાર આવી છે.nખનીજ વિભાગ દ્વારા સ્થળ ઉપરથી બે ટ્રેક્ટરને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ટ્રેક્ટર ચાલકો દાદાગીરી કરી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ખનીજ વિભાગ દ્વારા સાંજના સુમારે કાલોલ પોલીસ મથકે જાણ કરી લેખીત અરજી આપી પોલીસ બંદોબસ્ત સાથે ભાગી છુટેલા બે ટ્રેકટરો નો કબજો મેળવી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
