Vadodara

મેગા ડ્રેનેજ પ્રોજેક્ટને પગલે 7 દિવસ માટે ‘નો એન્ટ્રી’: વડોદરાના તરસાલી જંકશન પર વાહન વ્યવહાર બંધ

ચોમાસાની રાહત માટે પાલિકાની કવાયત: ગોલ્ડન, આજવા સહિત 5 જંકશનો પર Box Culvert નું કામ શરૂ; વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રેનેજ શાખા દ્વારા શહેરમાં પાંચ મુખ્ય જંકશનો પર નવી વરસાદી ગટર લાઇન (બૉક્સ કલ્વર્ટ) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેને કારણે તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે.
​આ કામગીરીના પ્રથમ તબક્કામાં તરસાલી જંકશન ખાતે નવી વરસાદી ગટર લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જાહેર સલામતી અને કામગીરીની સરળતા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તરસાલી જંકશન તરફનો માર્ગ આજથી, તારીખ 19 નવેમ્બરથી, આગામી 7 દિવસો સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન, કોન્ટ્રાક્ટર દ્વારા હેવી મશીનરી અને મજૂરોની અવરજવર મોટા પાયે થવાની હોવાથી વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. નાગરિકોને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
VMCના ડ્રેનેજ વિભાગે જણાવ્યું છે કે આ કામગીરી શહેરીજનોની સુવિધા અને ચોમાસા દરમિયાન જળબંબાકારની સમસ્યા ઘટાડવા માટે અત્યંત જરૂરી છે. કામગીરીને કારણે થતી અસુવિધા બદલ પાલિકાએ દિલગીરી વ્યક્ત કરી છે અને તમામ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જાહેર કરેલા સમયગાળા દરમિયાન બંધ માર્ગો પર અવરજવર ટાળવા જણાવ્યું છે.

બોક્ષ:- પાંચ સ્થળોએ નવી બૉક્સ કલ્વર્ટ…
​વડોદરા શહેરના મુખ્ય પાંચ જંકશનો પર વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આ નવી બૉક્સ કલ્વર્ટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પાંચ સ્થળોમાં નીચેના જંકશનોનો સમાવેશ થાય છે:
ગોલ્ડન જંકશન, ​આજવા જંકશન, ​કપુરાઈ જંકશન
​વાઘોડિયા જંકશન, તરસાલી જંકશન.
તરસાલી જંકશનનું કામ પૂર્ણ થયા બાદ, અન્ય જંકશનો પર પણ તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે, અને તે મુજબ તે માર્ગો પર પણ ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે.

Most Popular

To Top