બરોડા ડેરીના વિવાદમાં મેરકુવા મંડળીના મંત્રીની કબૂલાત ; વરસડા દૂધ મંડળીમાં પણ ઉચાપતના આક્ષેપ
સાવલી: ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી રૂપિયા ૩૯.૯૨ લાખની માતબર રકમની ઉચાપત થયાની વાત સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના કાને પડતા તેઓએ તા ૧૫, મેના રોજ બરોડા ડેરીના એમડી અને મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ કરવા જણાવાયું હતું સાથે જિલ્લા ડીએસપીને પણ તપાસ અંગે પત્ર લખાયું હતું. ઉપરોક્ત બાબતે જિલ્લા ડીએસપી દ્વારા ડેસર પોલીસને તપાસ કરવા માટે સૂચના આપતા યુદ્ધના ધોરણે પોલીસે તપાસ કરીને જિલ્લા ડીએસપી ને તપાસ રિપોર્ટ સુપ્રત કરાયું હતું ત્યારબાદ એકાએક બરોડા ડેરીના એમડીનું રાજીનામું પડતા પછી એક વખત ડેરી નો મધપુડો છંછેડાયો હતો બરોડા ડેરીના એમડી અજય જોશી એ જણાવ્યું હતું કે બરોડા ડેરી એ કોઈ કૌભાંડ કરેલું નથી રહી વાત ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમાર ની તો તેમણે પણ ઉચાપત કરી નથી માત્ર તેઓની રૂપિયા ઉપાડવાની રીત ખોટી હતી એવું જણાવ્યું હતું.આજે સમગ્ર બાબતે ખુલાસો આપવા માટે મેરાકુવા દૂધ મંડળી ખાતે મંત્રી વિક્રમસિંહ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે સાવલી ધારાસભ્ય દ્વારા મારા ઉપર જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે . ઓડિટર દ્વારા દર વર્ષે ઓડિટ થાય છે તેમાં હિસાબો બિલકુલ ક્લિયર છે કોઈ ઉચાપત છે નહીં તેવુ ઓડિટર દ્વારા રિપોર્ટ અપાયો હતો. મૃતક પાંચ સભાસદો ના નામે જે લેવડદેવડ મેં કરી છે તે મારા માટે નહીં મંડળીના હિત માટે કરી હતી.
રહી વાત બેંકમાંથી પૈસા ઉપાડવાની તેમાં ડેસર તાલુકાની તમામ દૂધ મંડળી માં 20 થી 25 ખાતેદારોના જ ખાતા માં પૈસા નંખાય છે બાકીના ખાતેદારો ના અધિકાર પત્ર દ્વારા મંત્રીઓ જ બેંકમાંથી પૈસા ઉપાડીને ડેરીએ આવીને ગ્રાહકોને દર અઠવાડિયે રોકડ રકમ ચૂકવીએ છે જ્યારે મેં મૃતકોના ખાતામાં પૈસા નાખીને જે લેવડદેવડ કરી છે એ મારી ભૂલ છે હું કબુલ કરું છું. તેના માટે જે સજા થાય હું ભોગવવા તૈયાર છું. જ્યારે વધુમાં વરસડા દૂધ મંડળી ઉપર પણ ઉચાપતના આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે મેરાકુવા દૂધ મંડળીની તપાસ થાય છે તો વરસડા મંડળીની કેમ થતી નથી તેના પુરાવા હું પણ આપવા તૈયાર છું. ધારાસભ્યને મેરાકુવા મંડળીનું કૌભાંડ દેખાયું છે તો સાવલી ડેસર તાલુકામાં નદીઓમાં મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે શું તે ગેરકાયદેસર નથી. તે તેમની નજરમાં નથી આવતું તેની તપાસ ધારાસભ્ય કેમ નથી કરાવતા તેવા આક્ષેપો પણ મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમારે કર્યા હતા.