છ અને આઠ મુસાફરો બેસાડવાના મુદ્દે બે રીક્ષા ચાલકો વચ્ચે બખેડો
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને આડેધડ પાર્કિંગથી રોજિંદી અવ્યવસ્થા યથાવત
પ્રતિનિધિ, વડોદરા, તા. ૧૦
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મુસાફરો બેસાડવાની લ્હાયમાં બે રીક્ષા ચાલકો વચ્ચે જાહેર માર્ગ પર ઝપાઝપી સર્જાઈ હતી. વધુ મુસાફરો બેસાડવાના મુદ્દે બંને રીક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી વધતાં વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. બંનેએ એકબીજાને અશોભનિય શબ્દોમાં ગાળો પણ ભાંડી હતી. ઘટનાસ્થળે હાજર એક મહિલા સહિત આસપાસના લોકોએ વચ્ચે પડી બંનેને છુટા પાડતા મામલો થાળે પડ્યો હતો.

ખંડેરાવ માર્કેટ વિસ્તાર સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ આડેધડ પાર્કિંગ અને રીક્ષાઓના ખડકલા કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળે છે. પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે છતાં થોડા સમયમાં ફરીથી દબાણ ઉભા થઈ જતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રીક્ષા ચાલકો દ્વારા મનફાવે તેમ ચાલુ રોડ પર રીક્ષા ઉભી રાખીને મુસાફરો બેસાડવાની પ્રવૃત્તિના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવાની સ્પર્ધામાં આવા વિવાદો સર્જાતા હોવા છતાં યોગ્ય કાર્યવાહીનો અભાવ જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ યથાવત રહેતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.