બ્રેક ફેઇલ થતા ચાલકે ડિવાઈડર પર ડમ્પર ચડાવ્યુ
સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી : ચાલકોમાં રોષ

( પ્રતિનિધી )વડોદરા,તા.19
વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનના વાહનનો અકસ્માત સર્જાયો હતો. મુજ મહુડા વિસ્તારમાં ડમ્પરની બ્રેક ફેઈલ થતાં ચાલકે ડમ્પરને ડિવાઇડર પર ચડાવી દીધું હતું.જેના કારણે ડિવાઈડર તૂટી ગયું હતું.બીજી એક મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઘટના સ્થળે સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ડમ્પરને સાઈડ પર હટાવી આગળની કાર્યવાહી હાથધરી હતી.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. શહેરના મુજમહુડાથી લાલબાગ બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની બ્રેક ફેલ થઈ જતા અકસ્માતની ઘટના બની હતી. પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ડમ્પરથી ઘણી વખત અકસ્માતો થયા છે. જેમાં કેટલાક નિર્દોષ નાગરિકોના મોત પણ નિપજ્યા હતા. આ તો ચાલુ રોડ છે અને આની બાજુમાં જ વિદ્યા કુંજ સ્કૂલ આવેલી છે. જો નાના છોકરા વચ્ચે આવી જાત તો આનું શું પરિણામ આવતું, ડ્રાઇવર પણ આ ડમ્પર મૂકીને અહીંથી જતો રહ્યો છે. આ વસ્તુ યોગ્ય નથી. કોર્પોરેશન માં આટલું બધું ફંડ આવે છે, છતાં તૂટેલા ફૂટેલા કન્ડમ હાલતમાં રહેલા ડમ્પરો ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે આ ડમ્પર ના સર્જાયેલા અકસ્માતમાં બચી ગયેલા એકટીવા ચાલકે જણાવ્યું હતું કે, મારે આગળ આવવાનું થયું અને અચાનક ડમ્પરના ડ્રાઈવરે ગાડી છોડી દીધી, બ્રેક ફેલ થઈ ગઈ હતી. એણે આ બાજુ ગાડી વાળી દીધી જો પેલી બાજુ વાળી હોત તો મોટી જાનહાની થઈ હોત મારું કેવું છે કોર્પોરેશનને કે જો તમે આવી ગાડીઓનો કોન્ટ્રાક્ટ સોંપો છો તે કોન્ટ્રાક્ટ વાળાને ખરાબ ગાડીઓ આપશો તો નાગરિકોની સુરક્ષા નું શું. તમે તો તમારી એસી કેબિનોમાં સુરક્ષિત બેઠા છો પણ આમ નાગરિક નું શું. બીજાના જીવને જોખમ ઊભું થઈ રહ્યું છે. સરકાર દ્વારા જ્યારે નવા વાહનોની ફાળવણી કરવામાં આવતી હોય તો તમે શા માટે ખરાબ વાહનોનો ઉપયોગ કરીને નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છો. આજે મારા ભગવાનના કારણે મારો આબાદ બચાવ થયો છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થતા હતા. તમામે કોર્પોરેશન તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પરને રોડ સાઈડ પર હટાવી આગળની કાર્યવાહી હાથધરી હતી.