Vadodara

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું

એમએસયુમાં સચવાયેલા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે

શહેર પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં સંગ્રહિત ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં સહભાગી થઈ તેનું નેતૃત્વ કર્યું હતું. વડોદરાના પ્રાચીન સ્થળો પૈકીના એક એવા વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ અવશેષો સચવાયેલા છે. સિંહોના દેશ ગુજરાતથી સિંહલદ્વિપ એવા શ્રીલંકાની યાત્રા આ અવશેષો કરશે.

ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના આઠમી સદીના આ પવિત્ર અવશેષો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેને દિલ્હીથી શ્રીલંકા મોકલવામાં આવશે. તે શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે. પીએમ મોદીના વર્ષ 2025 દરમિયાનની શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ ઘનિષ્ટ કરવા માટે સહમતી સાધવામાં આવી હતી. તે પરિપ્રેક્ષ્યમાં બુદ્ધધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ અવશેષો તેના નૂતન વર્ષે મોકલવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષોને રવાના કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાર પ્રોફેસર પણ કોલંબો જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ યુનિવર્સિટીના સયાજીગંજ કેમ્પસ સ્થિત ડિપાર્મેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એન્સીઅન્ટ સ્ટીડીમાં પહોંચ્યા હતા. તેઓ અહીં પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાત, મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ પવિત્ર અવશેષોને સંગ્રહાલયમાંથી બહાર લઇ આવ્યા હતા. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધી સોસાયટીના સંત શ્રી આનંદા, શ્રી વિચિત્તા, શ્રી ઉગસેન અને શ્રી પનાતિકા પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસની એક ટૂકડી દ્વારા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેને એક વાહનમાં સુરક્ષિત રીતે રાખી શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પવિત્ર અવશેષોને ફ્લાઇટ મારફત દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ભગવાન બુદ્ધના અસ્થિ સાથેની મંજૂષા, સિલ્કનું વસ્ત્ર સાથેનું પાત્ર, પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડિયા જેવા બોક્સનો આ અવશેષોમાં સમાવેશ થાય છે. આ બોક્સ ઉપર ચાંદી, સોનાના તાર ચઢાવવામાં આવ્યા છે. જેના ઉપર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં દશબલ શરીર નિલય એવું લખાણ વાંચવા મળે છે. જેનો મતલબ થાય છે કે, દશબલ એટલે કે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોનું સ્થાન. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં તા.4 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા એક કાર્યક્રમમાં દર્શનાર્થે મૂકવામાં આવશે. આ પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, કુલપતિ ભલચંદ્ર ભણગે, ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર આર્કિયોલોજી વિભાગના ડિન સુશ્મિતા સેન પણ જોડાયા હતા.

દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન પવિત્ર અવશેષો મળી આવ્યા હતા :

શામળાજી પાસે દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન પવિત્ર અવશેષો મળી આવ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા 1957 માં આ વિસ્તારને ઓળખવામાં આવ્યો હતો. ભોજ રાજાનો ટેકરો સહિતના આસપાસ વિસ્તારમાં 1960 બાદ તબક્કાવાર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને તેમાં અહીં બુદ્ધ વિહાર હોવાનું ફલિત થયું હતું. આઠમી સદીમાં આ બુદ્ધ વિહાર વિસ્મૃત થઇ ગયો હતો. આ વિશાળ બુદ્ધ વિહાર હિનયાનના સમ્મિતિયા પ્રશાખાનો હોવાનું માનવામાં આવે છે. તેના મુખ્ય મોંક સાધુ મહાસેનાના માર્ગદર્શનમાં સાધુ અગ્નિવર્મા અને સુદર્શન દ્વારા વિહાર નજીક શરીર સ્તૂતનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top