Vadodara

મુખ્યમંત્રી કાલે વડોદરામાં, ગોરવામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારી પૂર્ણ : ડો. લીના પાટીલ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 17
વડોદરાના ગોરવા વિસ્તારમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામેલા આધુનિક સુવિધાવાળા કન્યા છાત્રાલય, વર્કિંગ વુમન હોસ્ટેલ તથા કુમાર છાત્રાલયના લોકાર્પણ સમારોહને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમ રવિવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કલ્યાણજીભાઈ કાનજીભાઈ વિઠાણી કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યારે પરશોત્તમભાઈ એન. ગેવરિયા દ્વારા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આગમનથી લઈ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ડીસીપી, એસીપી, પીઆઇ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પૂરતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ સુચારુ રીતે અને કોઈ અડચણ વિના સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના રવિવારના વડોદરા પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Most Popular

To Top