Vadodara

મુંબઈના ડ્રગ માફિયા સાજીદ ઈલેક્ટ્રીકવાલાના અપહરણનો આરોપી દીપક નંદકિશોર વડોદરામાંથી ઝડપાયો

બે દિવસથી વડોદરામાં ધામા નાખનાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપીને દબોચી પરત મહારાષ્ટ્ર રવાના ખોડીયારનગરના આરોપીના ઘરમાંથી એક તમંચો અને 5 જીવતા કારતુસ મળી આવ્યા

વડોદરા તા.26
ગુજરાત રાજ્ય બહાર થતી સરકારી પરીક્ષાના પેપર લીક કૌભાંડ, એનડીપીએસ તથા નાર્કોટિક્સ ના ગુનાનો રેલો વડોદરા તો નીકળતો જ હોય છે. ત્યારે મુંબઇના બહુચર્ચિત ડ્રગ માફીયા સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણના ગુનાનું કનેક્શન પણ વડોદરા નીકળ્યું હતું. આ ડ્રગ માફીયાના અપહરણ કરવાના કેસમાં વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા આરોપીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હોય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ધીમે વડોદરા સુધી તપાસનો રેલો લંબાવ્યો હતો. બે દિવસથી વડોદરામાં ધામા નાખ્યા હતા અને ખોડીયારનગર વિસ્તારમાં છુપી રીતે સર્ચ ઓપરેશન હાથ ધરીને વહેલી સવારના આરોપીને તેના જ ઘરમાંથી જ ઝડપી પાડીને મુંબઈ ખાતે જવા રવાના થઈ ગઈ હતી. બાપોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.

મુંબઇ ના ડ્રગ માફિયા સાજીદ ઈલેક્ટ્રીકવાલાનું અપહરણ થયું હતું. જેના કારણે પોલીસ દ્વારા એક મહિના ઉપરાંતથી આ કુખ્યાત સાજીદ ઈલેક્ટ્રીક વાલા અપહરણ કેસની તપાસ કરવામાં આવી હતી.જેમાં એવી વિગત જાણવા મળી હતી કે સાજીદે થોડા સમય અગાઉ છોટા શકીલના નાના ભાઇ અનવર શેખની ગેંગના માણસો પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી પેટે રૂ. 50 લાખ ટોકન પેટે લીધા હતા. પરંતુ રૂપિયા લીધા બાદ પણ માલ નહીં મળતા સાજીદ ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો. રૂપિયાની માંગણી કરવા છતાં પરત આપતો ન હતો. 12 જુને જોગેશ્વરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં સાજીદ અને શબ્બીર સિદ્દકી મળવાના હોવાની માહિતિ ગેંગને મળી હતી. જેના કારણે આ ગેંગના સાગરીતો ફુલ પ્રુફ પ્લાનિંગ સાથે હોટલે ગયા હતા અને સાજીદ અને શબ્બીરને ઉઠાવી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં નેરલ ખાતેના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી રૂ. 3 કરોડની ખંડણી માગી હતી. દરમિયાન જેમ તેમ કરીને શબ્બીર ગેંગની ચુંગલમાંથી નાસી છૂટ્યો હતો અને જેની 10 જુલાઇના રોજ મુંબઇના ઓશીવારા પોલીસ સામે ફરીયાદ નોંધાવી હતી. સાજીદ ઇલેક્ટ્રીકવાલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધાર સરવર ખાન, મેહતાબ અલી અને રાહુલ સાવંતને ઝડપી લેવામાં આવ્યાં હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ત્રણેયની પૂછપરછ કરતા અપહરણમાં અન્ય લોકોના નામો પણ સામે આવ્યાં હતા. ત્યારે આ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસમાં વડોદરાના દિપક શર્માનું નામ પણ ખુલ્યું હતુ. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો રેલો વડોદરા સુધી લંબાવ્યો હતો. છેલ્લા બે દિવસથી આ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરા શહેરમાં ધામા નાખ્યા હતા. જેમાં બાપોદ પોલીસની મદદ પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લીધી હતી. ન્યુ વી.આઈ. પી રોડ ખોડીયારનગરમાં રહેતા દિપક નંદકિશોર શર્માને છુપી રીતે તપાસ કરીને મિશન પાર પાડી ઝડપી પાડ્યો હતો. આરોપીને બપોદ પોલીસ સ્ટેશનમાં લઇ જઈને કાર્યવાહી કર્યા બાદ મુંબઇ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આરોપીની ખોડીયાર નગરના ઘરમાં તપાસ કરતા એક દેશી તમંચો અને 5 જીવતા કારતુસ પણ મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતા.

– થોડા મહિના પહેલા આવેલા દિપક નંદકિશોરે વડોદરામાં દારૂ સપ્લાયનો ધંધો શરૂ કર્યો
દિપો જાડીયો ઉર્ફે દિપક નંદકિશોર શર્મા રીઢો આરોપી છે અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. ઉપરાંત આરોપી સામે દહીસર ફાયરિંગ કેસ (મુંબઈ), નકલી ચલણી નોટ કૌભાંડ (ઉદયપુર), હત્યાની કોશિશ, મારામારી સહીત 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. ચાર વર્ષ સુધી જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. અપરણના થોડા દિવસ બાદ દિપક નંદકિશોર વડોદરા આવ્યો હતો અને ત્યારબાદ હવે તેની સંડોવણી મુંબઈના બહુચર્ચીત અપહરણ કેસમાં બહાર આવી છે. વડોદરામાં રહીને પણ આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને હાલ તે વડોદરામાં દારૂ સપ્લાયનો ગેરકાયદે ધંધો કરતો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

Most Popular

To Top