વડોદરાના એપીએમસી માર્કેટ પાસે અજાણ્યા વાહને રીક્ષાને અડફેટે લેતા 14 વર્ષના બાળક સહિત 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

( પ્રતિનિધિ) વડોદરા તા. 02
મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા પાસે એપીએમસી માર્કેટ પાસે ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે 12 વર્ષના બાળકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં 5 એક જ પરિવારના 6 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય સભ્યોની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જૈ પૈકી મૃતક બાળકના પિતાની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છોટી સરડી ગામમાં રહેતો કેમતાભાઇ પચૈયા (ઉ.35)નો પરિવાર ખેત મજુરી માટે તેમના ગામથી અમરેલી જવા માટે નિકળ્યા હતા. જેમાં કેમતાભાઇના પત્ની શેખડીબેન, 16 વર્ષની દીકરી મનિષા, 14 વર્ષનો દીકરો ભયુ, 12 વર્ષની દીકરી લલી, 10 વર્ષની દીકરી ભલી અને 7 વર્ષની દીકરી ભલીનો સમાવેશ થયો હતો. તેઓ મધ્યપ્રદેશથી ટ્રેનમાં બેસીને ગઇકાલે વડોદરા પહોંચ્યા હતા. વડોદરા બસ ડેપોમાંથી બસ ન મળતા તેઓ કપુરાઇ ચોકડી ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ દુમાડ ચોકડી જવા માટે રીક્ષામાં બેસીને રવાના થયા હતા.આ દરમિયાન સયાજીપુરા એપીએમસી નજીક અજાણ્યા વાહને રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રીક્ષાચાલક હંસરાજભાઇનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યપ્રદેશના એક જ પરિવારના 6 સભ્યોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 14 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે બાળકના પિતા કેમતાભાઇની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.