સુનીલ ગાવસ્કર, વિજય મર્ચન્ટ, પોલી ઉમરીગર, દિલીપ વેંગસરકર, સચિન તેંદુલકર, રોહિત શર્મા, અજિંક્ય રહાણે… આ એવા નામ છે જે મુંબઈએ ભારતીય ક્રિકેટને આપ્યા છે. આ સિવાય મુંબઈના ઘણા ખેલાડીઓએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાવા માટે તૈયાર છે, અને તે છે સુવેદ પારકર. 21 વર્ષીય સુવેદે રણજી ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરાખંડ સામે ફર્સ્ટક્લાસ મેચમાં ડેબ્યુ કર્યું હતું અને મુંબઈના યુવા બેટ્સમેન સુવેદ પારકરે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં જ બેવડી સદી ફટકારીને તોફાન મચાવ્યું હતું.
તેણે રણજી ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરાખંડ સામે 447 બોલમાં 21 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 252 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર સાથે ખાસ જોડાણ ધરાવતા આ બેટ્સમેન ડેબ્યૂ ફર્સ્ટ ક્લાસ મેચમાં બેવડી સદી ફટકારનાર મુંબઈનો બીજો ક્રિકેટર બન્યો. તેણે 375 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. સુવેદ મેચના બીજા દિવસે 250 રનનો આંકડો પાર કર્યા બાદ રનઆઉટ થયો હતો. તેણે 444 બોલમાં 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગની મદદથી મુંબઈની ટીમે 166.4 ઓવરમાં આઠ વિકેટે 647 રન બનાવ્યા હતા.
ફર્સ્ટક્લાસ ડેબ્યુમા બેવડી સદીની સિદ્ધિ હાંસલ કરનાર બીજો મુંબઈકર
સુવેદ અમોલ મઝુમદાર પછી ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં બેવડી સદી ફટકારનાર મુંબઈનો બીજો બેટ્સમેન બન્યો. મજુમદારે 1993-94ની સિઝનમાં હરિયાણા સામે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂમાં 260 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, હાલમાં મુંબઈ ટીમના કોચ તરીકે ફરજ બજાવતા મજુમદારે બેવડી સદીનો આંકડો પાર કર્યા બાદ ડ્રેસિંગ રૂમમાંથી પારકર માટે તાળીઓ પાડી હતી.
બેટિંગ ઓલરાઉન્ડર
સુવેદ પારકર બેટિંગ ઓલરાઉન્ડર છે. તે જમણા હાથનો બેટ્સમેન છે અને તેની બોલિંગ સ્ટાઈલ રાઈટ હેન્ડ ઓફ બ્રેક છે. તેનો જન્મ 06 એપ્રિલ 2001ના રોજ થયો હતો. તે મુંબઈ માટે રમે છે અને 2019-20માં ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો. તેણે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. રોહિત શર્માનું સ્કૂલિંગ પણ અહીંથી જ થયું હતું.
અજિંકેય રહાણેની જગ્યાએ છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ થયો
જો ગયા મહિને IPL 2022 દરમિયાન અજિંક્ય રહાણેની હેમસ્ટ્રિંગમાં ઈજા ન થઈ હોત, તો સુવેદ પારકર ડ્રિંક પીરસી રહ્યો હોત. જો કે, રહાણેની ઈજાને કારણે, પારકરને પ્રથમ નોકઆઉટ માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે નંબર 4 પર પદાર્પણ કર્યું હતું. આ બેટ્સમેને પોતાની પસંદગીને સાચી સાબિત કરી. રહાણેએ ચોથા ક્રમે ટીમ માટે મહત્વની ઈનિંગ્સ રમી છે. સુવેદે પણ એવું જ કર્યું. 64 રનમાં બે વિકેટ પડી ગયા બાદ સુવેદ ક્રિઝ પર આવ્યો હતો. તે પ્રથમ દિવસે સદી ફટકારીને અણનમ રહ્યો હતો.
ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ પર વિક્રમી ઇનિગ રમી રેકોર્ડમાં નામ નોંધાવ્યું
સુવેદ પારકર બેવડી સદી સાથે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનાર માત્ર 12મો ભારતીય બેટ્સમેન બન્યો. બિહારનો સકીબુલ ગની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેણે આ વર્ષની શરૂઆતમાં કોલકાતામાં મિઝોરમ સામે 341 રન બનાવ્યા હતા. તે ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર સાથે છે ખાસ કનેક્શન
દિનેશ લાડ સુવેદ પારકરને તાલીમ આપે છે. દિનેશ લાડ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેમજ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરના કોચ રહી ચૂક્યા છે. સુવેદ 2019 અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું ન હતું. સુવેદ પારકર એ જ શાળામાંથી બહાર આવ્યો છે જ્યાંથી વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા આવ્યો છે. રોહિતે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં ક્રિકેટની ટ્રિક્સ શીખી. પારકર પણ આ જ શાળાનો વિદ્યાર્થી છે. તેણે મુંબઈમાં સ્થાનિક અને વય-ગ્રુપ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. નોકઆઉટ સ્ટેજ પહેલા તેને પ્રથમ વખત મુંબઈ રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.