Charchapatra

મિડલ ક્લાસના હીરો ડોક્ટર સિંહ

મૃદુભાષી પરંતુ જાહેર જનતા માટે લાભદાયી અનેકવિધ પગલાં લેવામાં મક્કમ એવા આપણા દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ રાજકારણી નહીં પરંતુ તેજસ્વી અર્થશાસ્ત્રી હતા. એ એમની સાચી ઓળખ છે. એઓ રાજકીય નેતા જરૂર હતા પરંતુ રાજકારણી નેતા નહીં હતા. એઓ ખૂબ જ ઓછું  બોલતાં એ વાત સાચી, પરંતુ જ્યારે પણ બોલતા ત્યારે તેનો કોઈ અર્થ હોય. એમના શબ્દોની કિંમત હતી. આર્થિક ઉદારીકરણના પ્રણેતા એવા ડો. સિંહના આર્થિક સુધારાથી મધ્યમ વર્ગના જીવનમાં પણ ધરખમ પરિવર્તન આવ્યું એ નિર્વિવાદ છે. એમણે જે અનેકવિધ હિંમતભર્યાં પગલાં દેશના મિડલ ક્લાસને કેન્દ્રમાં રાખીને ભર્યાં તેનાં મધુર ફળો આજે આપણે ખાઈ રહ્યાં છીએ.

જાહેર જનતાના દિલમાં એમનું માનભેર સ્થાન છે અને રહેશે. એમ કહેવાય છે કે પ્રધાનમંત્રીની ઓફિસની બારીમાંથી પણ એઓ  મારુતિ 800 ને જોતા રહેતા  જેને કારણે એઓ પોતે મિડલ ક્લાસના માણસ હોવાનો અહેસાસ કરતા. મિડલ ક્લાસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો એઓ મક્કમપણે લઈ શકતા હતા. તેઓ માનતા કે મધ્યમ વર્ગને પોસાય એવી મારુતિ કાર એમને સામાન્ય માણસ સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય છે. હું મિડલ ક્લાસનો પ્રતિનિધિ છું એવું કહેવામાં એઓ ગૌરવ અનુભવતા હતા. મધ્યમ વર્ગનાં પરિવારોને કેન્દ્રમાં રાખીને ભારતની અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં ડો. સિંહનું યોગદાન આ દેશની પ્રજા ક્યારેય ભૂલશે નહીં. ટેક્સ પ્રામાણિકપણે ભરતો અને મોંઘવારીનો માર સતત સહન કરતા  મધ્યમ વર્ગના હીરો ડોક્ટર સિંહને લોકો  ક્યારેય ભૂલશે નહીં.
નવસારી – ડો.જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top