Vadodara

માળી સમાજના સ્મશાનની દયનીય સ્થિતિ, આવશ્યક સુવિધાઓ વિના મૃતકોની અંતિમક્રિયામાં વિઘ્નો

વિશ્વામિત્રી વિસ્તારના સમાજના લોકો એકત્ર થયા, કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો

સ્મશાનમાં પાણી, લાકડું, છાણાં અને રસ્તાની તાત્કાલિક સુવિધા આપવા માગ

વડોદરા: વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં ગુજરાત ટ્રેકટર સામે આવેલી માળી સમાજની સ્મશાનભૂમિ વર્ષોથી અવ્યવસ્થાનો ભોગ બની રહી છે. મૃતકની અંતિમક્રિયા કરવા આવતાં લોકોને લાકડું, પાણી, છાણાં રોડ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. સ્મશાનની આસપાસ ગંદકી, ઝાડીઝાંખર અને અંધારું વાતાવરણ સર્જાઈ જવાને કારણે અસમાજિક તત્વો માટે તે અડ્ડો બની ચૂક્યું છે.

સમાજના લોકોનો આક્ષેપ છે કે વડોદરા મહાનગર પાલિકા અન્ય વિસ્તારોના સ્મશાનોને વિકાસ આપી રહી છે, પરંતુ માળી સમાજની સ્મશાનભૂમિની વર્ષોથી અવગણના થાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

રવિવારે માળી સમાજના સભ્યોએ ભેગા થઈને કોર્પોરેશન વિરુદ્ધ ઠેરઠેર હોબાળો કર્યો અને તાત્કાલિક કામગીરીની માંગ ઊઠાવી હતી. સ્મશાનભૂમિના વિકાસ માટે પાણીની ટાંકી, લાકડાની વ્યવસ્થા, પ્રકાશની સુવિધા અને રસ્તાનો સુધાર જેવી માંગ સાથે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું કે માળી સમાજના સ્મશાનનું હાલનું દ્રશ્ય દુઃખદ છે અને આવનારા સમયમાં પણ જો કોર્પોરેશન દ્વારા પગલાં ન લેવાય, તો આંદોલન ઉગ્ર બનાવાશે.
સમાજના આગેવાનોએ જણાવ્યું કે મૃત્યુ પછી પણ જો સમાજના લોકોને સંતોષકારક વ્યવસ્થા ન મળે, તો તે માનવતાને શરમમાં મૂકનાર બાબત છે. વડોદરા મહાનગર પાલિકાએ તાત્કાલિક સુધારા કરી માળી સમાજના સ્મશાનનો વિકાસ કરવો જરૂરી છે.

Most Popular

To Top