રૂ. 3.13 લાખનો દારૂ જપ્ત, સાત આરોપીની ધરપકડ; ત્રણ વોન્ટેડ જાહેર
(પ્રતિનિધિ) સંખેડા:
સંખેડા તાલુકાના માલુ ગામની સીમમાં વિદેશી દારૂના ગેરકાયદેસર કટિંગના અડ્ડા પર સંખેડા પોલીસે સફળ રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ.3,13,152ના વિદેશી દારૂ સાથે સાત શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કાર અને સાત મોટરસાયકલ સહિત કુલ રૂ.12,68,152નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, માલુ ગામની સીમમાં રાવજીભાઈ રણછોડભાઈ પટેલના ખેતરના સેડા પર દારૂનું કટિંગ થતું હોવાની ચોક્કસ બાતમી સંખેડા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો, એક કાર, સાત મોટરસાયકલ તેમજ સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસે સેમરાજ ઉર્ફે હેમરાજ નિવાલ, વનવેસ રણસિંગ ભિલાલા, સંજય જહાંગીર, સુખરામ લાલજી ભીલ, સંજય મન્સુરિયા ભીલ, સાજીદ અબ્દુલ રહેમાન વોરા અને રમેશ જજાળીયા ભીલને ઝડપી લીધા છે. જ્યારે કારનો ડ્રાઇવર, શિવમભાઈ ઇબ્રાહીમ ચૌહાણ અને હુસેન ઉર્ફે બાટલા ઇબ્રાહીમ ધોળકાભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા મુદ્દામાલમાં રૂ.3.13 લાખનો દારૂ, રૂ.35 હજારના મોબાઈલ ફોન અને રૂ.9.20 લાખની કિંમતના વાહનોનો સમાવેશ થાય છે. આ મામલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા