એક પબ્લિશિંગ હાઉસમાં પ્રૂફરીડર તરીકે એક અંકલ કામ કરે. ૬૦ વર્ષની ઉંમરે પણ ભાષાનું જ્ઞાન એટલું ઊંડું કે પબ્લિશરે તેમનું કામ ચાલુ જ રાખ્યું હતું. તેમને કહ્યું હતું તમે ઘરેથી પણ કામ કરી શકો અને તમે ઓફિસમાં આવીને પણ કામ કરી શકો. ૬૧ વર્ષના અંકલ સુબાહુભાઈને કેન્સર જેવો વ્યાધિ થયો. છતાં તેઓ હિંમત ન હાર્યા.કેન્સરની દવાઓ લીધી, કેન્સર વધતું ગયું. એક ઓપરેશન કરાવ્યું. આરામ કરવા માટે દીકરીના ઘરે અમેરિકા ગયા. ત્યાંથી પણ વર્ક ચાલુ રાખ્યું. અમેરિકાથી પછી પાછા આવ્યા. ઓફિસ જોઈન્ટ કરી લીધી. કેન્સર મટી ગયું અને બધું બરાબર પાર પડી ગયું.
પાંચ વર્ષ થઈ ગયાં. ૬૬ વર્ષના સુબાહુભાઈને પેટમાં દુખાવો શરૂ થયો અને કેન્સરે હવે આંતરડા પર હુમલો કર્યો. વળી પાછા રિપોર્ટ્સ, વળી પાછું ઓપરેશન. આ બધી જ ઝંઝટમાંથી તેઓ હિંમત રાખીને પસાર થયા. ઓપરેશનના આગલા દિવસ સુધી ઓફિસે આવ્યા. બધું કામ ચાલુ રાખ્યું. એક્સ્ટ્રા કામ પણ કરી આપ્યું. પછી બીજે દિવસે હોસ્પિટલમાં દાખલ થયા, હોસ્પિટલમાં ઓપરેશન બાદ થોડા દિવસ ઘરે રહ્યા. પંદર દિવસ આરામ કર્યો હશે અને વળી પાછા ઓફિસે આવવા લાગ્યા. ઓફિસમાં બધા જ તેમને કહેવા લાગ્યા કે ‘તમે આરામ કરો. તમને આરામની જરૂર છે.તમને થાક લાગશે, તમારી તબિયત બગડશે, તમે ઘરેથી કામ કરો. તમે થોડું થોડું કામ કરો.
તમે ધીમે ધીમે શરૂઆત કરો.’ તો સુબાહુભાઈ બોલ્યા, ‘આમ પણ કેન્સર સામે લડી લડીને થાકી ગયો છું. હવે આ કામ કરવું જ મારું હથિયાર છે. હું કામ કરું છું ત્યારે બધું ભૂલી જાઉં છું.તમને બધાને મળું છું. રોજ બધા સાથે બે બે વાક્ય વાતો કરું છું એમાં મને આનંદ મળે છે. આ કામ હું ઘરેથી કરી શકું છું પણ તમારી બધાની વચ્ચે આવીને મને હું જીવતો છું. આ કામ મારું જીવન છે એવું લાગે છે એટલે હું આવું છું. મને ઓફિસે આવવા દો. મને મારું કામ કરવા દો.’ બધાને સુબાહુભાઈની કામ પ્રત્યેની નિષ્ઠા અને બધા માટેનો પ્રેમ સ્પર્શી ગયો. કામ જીવન સંજીવની પણ સાબિત થાય છે માટે હંમેશાં કામ કરો અને કરતાં જ રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
