પૂર્વ વિસ્તારમાં જળસંકટ: MGVCL એ બાપોદ ટાંકીનો પાવર કાપ્યો; SCADA અને પાલિકાના સંકલનનો અભાવ, વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હાલાકી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા આમ પણ કાયમી માથાનો દુખાવો છે, ત્યારે શુક્રવારે સવારે વીજ નિગમ (MGVCL) દ્વારા બાપોદ ટાંકીના સ્માર્ટ મીટરનું માત્ર રૂ. 6500નું નજીવું વીજળી બિલ ન ભરાતા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જેના પરિણામે, ટાંકી પર નિર્ભર વૈકુંઠ રેસિડેન્સીના અંદાજે 1600 પરિવારો સવારે 8 વાગ્યે મળતા પાણીથી વંચિત રહી ગયા હતા, જેનાથી સ્થાનિકોમાં ભારે હાલાકી અને રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે સોશિયલ મીડિયા પર આ અંગેનો એક મેસેજ ફરતો થયો હતો. મેસેજમાં જણાવાયું હતું કે બાપોદ ટાંકીના વૈકુંઠ તરફના વિતરણ ઝોનનો સપ્લાય સવારે 8 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ મુખ્ય SCADA સિસ્ટમનો ઇલેક્ટ્રિક સપ્લાય MGVCL દ્વારા કાપી નાખવામાં આવ્યો છે. SCADAનું માત્ર રૂ. 6500નું લાઇટ બિલ ભરવામાં ન આવતાં આ કનેક્શન કપાયું હોવાથી પાણી વિતરણ વ્યવસ્થામાં વિલંબ થશે.
સ્થાનિક સ્તરે તપાસ કરતા જાણવા મળ્યું કે પાલિકા તંત્રના નેજા હેઠળની બાપોદ ટાંકીના સ્માર્ટ મીટરનું રૂ. 6500નું બાકી બિલ SCADA દ્વારા ભરવામાં આવ્યું નહોતું, જેના કારણે સ્માર્ટ વીજ મીટર માંથી આપોઆપ કનેક્શન બંધ થઈ ગયું હતું.
આ સમગ્ર મામલે SCADA તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો કે બાપોદ ટાંકીએ લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડ એમ બે વિકલ્પો હોય છે, પરંતુ આ જગ્યાએ માત્ર પ્રીપેઇડનો વિકલ્પ યથાવત રાખવામાં આવ્યો હતો. જેથી નિયત તારીખે વીજબિલ ન ભરાતા વીજ કંપની દ્વારા કનેક્શન બંધ થયું છે.
જોકે, SCADAએ એવો પણ દાવો કર્યો હતો કે કનેક્શન કપાયું હોવા છતાં, પાણી વિતરણને કોઈ લેવાદેવા નહોતી અને વાલ્વ ખોલી નાખવામાં આવતા સ્થાનિક લોકોને તાત્કાલિક પાણી મળી જશે.
SCADAના દાવા છતાં, વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને સવારના 11 વાગ્યા સુધી પાણી મળ્યું નહોતું. કોર્પોરેશન સંચાલિત SCADA સિસ્ટમનું બિલ પાલિકા તંત્ર દ્વારા સમયસર ન ભરવામાં આવતા પૂર્વ વિસ્તારની એક મહત્વની ટાંકીનો વીજ સપ્લાય કપાયો અને તેના કારણે 1600 પરિવારો સવારના પાણીથી વંચિત રહ્યા.
પરિણામે, અનેક પરિવારોના મોભીઓ સ્નાનાદિ પ્રવૃત્તિઓથી વંચિત રહીને પોતપોતાના કામ-ધંધે કે નોકરી માટે ઘરેથી નીકળી જવાની નોબત આવી હતી.
માત્ર રૂ. 6500ના બિલ માટે MGVCL દ્વારા કનેક્શન કાપવું અને ત્યારબાદ SCADA તરફથી સમયસર પાણી વિતરણનો ખોટો દાવો કરવો, આ સમગ્ર ઘટનામાં કોણ સાચું અને કોણ ખોટું, તે બાબતે બંને પક્ષે ગંભીરતાથી વિચારવું રહ્યું. શહેરીજનોને હાલાકી ન પડે તે માટે પાલિકા તંત્ર અને વીજ નિગમ વચ્ચે યોગ્ય સંકલન જાળવવું અત્યંત જરૂરી છે.