Vadodara

માંડવીમાંથી ડુપ્લિકેટ પતંગદોરીનો કારોબાર પકડાયો

9–12 તારના લેબલમાં 4 તારની દોરી વેચાતી હતી, એસઓજીનો સપાટો

પ્રતિનિધિ વડોદરા, તા. 4
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાંથી એસઓજી પોલીસે 9 અને 12 તારની પતંગદોરીના નામે 4 તારવાળી ડુપ્લિકેટ દોરી વેચતો વેપારી ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન કુલ 916 રીલ કબજે કરવામાં આવી છે, જેની અંદાજીત કિંમત રૂ. 7.27 લાખ થવા જાય છે.
એસઓજી પીઆઈ એસ.ડી. રાતડાની સૂચના મુજબ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તથા પતંગના દોરાના વેચાણ સામે ખાસ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમ્યાન બાતમી મળી હતી કે માંડવી રાજપરાની પોળમાં ગુલામમોહમદ રેજેવાલાના ભાડાના મકાનમાં મોહંમદ મસૂદ મોહંમદ કાસીમ કલકત્તાવાલા 9 અને 12 તારના લેબલવાળી દોરી વેચી રહ્યો છે, પરંતુ તપાસમાં દોરો તોડી જોતા તેમાં માત્ર 4 તાર નીકળ્યા હતા.
આ આધારે એસઓજીની ટીમે દરોડો પાડી મોહંમદ મસૂદ મોહંમદ કાસીમ કલકત્તાવાલાની ધરપકડ કરી હતી. તેની પાસેથી અલગ–અલગ કંપની અને માર્કાવાળી કુલ 916 રીલ કબજે કરી છે. જ્યારે અમદાવાદ કાલુપુર પતંગ માર્કેટનો વેપારી સમસુ ખોજાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કપુરાઇ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સોમતળાવ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ભાવેશ બારીયા (રહે. સોમતળાવા) પાસેથી 15 ચાઈનીઝ દોરીની રીલ ઝડપાઈ હતી. ગોરવા પોલીસે સંતોષનગર નજીક હરસિદ્ધિ રીલ સેન્ટરમાંથી રણજીતભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (રહે. શુભાનપુરા) પાસેથી પ્રતિબંધિત કાચનો જથ્થો અને ફિરકી કબજે કરી જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે.
તે જ રીતે સયાજીગંજ પોલીસે નટરાજ ટાઉનશિપ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન રાજુ માંજાની દુકાનમાંથી કાચવાળો માંજો મળી આવતા હિતેશ રાજુ ધનાવડે વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top