(પ્રતિનિધિ), વડોદરા. તા.28
શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરના રહીશો માટે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. માંજલપુર પાણીની ટાંકી ખાતે મેઈન ફીડર લાઈન પર ટેકનિકલ સુધારા અને ફ્લોમીટર બેસાડવાની કામગીરીને પગલે આગામી સોમવાર અને મંગળવારે પાણી વિતરણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન પર અત્યાધુનિક ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ અપગ્રેડેશનને કારણે પાણીના જથ્થાનું ચોક્કસ માપન થઈ શકશે, જે ભવિષ્યમાં વિસ્તારના લોકોને સમાન અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવામાં મદદરૂપ થશે.
- 1) તા. 30-03-2026ને સોમવારના રોજ સાંજનું વિતરણ સંપૂર્ણ બંધ રહેશે. સોમવારે સવારના ઝોનનું પાણી વિતરણ રાબેતા મુજબ પૂર્ણ કર્યા બાદ તરત જ કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે, સાંજે 05:30 થી 06:30 વાગ્યા સુધીના ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે. સાંજે 07:00 થી 08:00 વાગ્યા સુધીના ઝોનમાં પણ પાણી વિતરણ બંધ રહેશે.
- 2) તા. 31-03-2026 મંગળવારના રોજ મોડું અને ઓછું દબાણ રહેશે. લાઈન પર ફ્લોમીટર બેસાડવાની કામગીરી પૂર્ણ થયા બાદ લાઈન ચાર્જ કરવામાં સમય લાગતો હોવાથી મંગળવારે સવારના ઝોનનું પાણી વિલંબથી આવશે. પાણીનું દબાણ સામાન્ય કરતાં હળવું રહેવાની શક્યતા છે.
જેથી પાણીનો અગાઉથી સંગ્રહ કરી લેવો હિતાવહ છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે માંજલપુર વિસ્તારના રહીશોએ સોમવારે સવારે આવતા પાણીનો સંગ્રહ કરી લેવો જેથી સાંજે અને મંગળવારે સવારે સર્જાનારી અછત સામે મુશ્કેલી ન પડે. કામગીરી પૂર્ણ થતા જ તંત્ર દ્વારા પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને ચોકસાઈભરી બનાવવા માટે અનિવાર્ય છે. જાહેર જનતાને આ ટેકનિકલ કામગીરીમાં સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.