Vadodara

માંજલપુરમાં શાકભાજી સસ્તામાં વેચવા મુદ્દે બબાલ,યુવક પર ચપ્પુથી હિંસક હુમલો

ઈજાગ્રસ્તને લોહીલુહાણા હાલતમાં સરવાર માટે ખસેડાયો

બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી, 4 વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા તા.15

લોકોને હવે પોલીસ તેમજ કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ જીવલેણ હુમલો તેમજ હત્યા કરતા સહેજ પણ ગભરાતા નથી. તાજેતરમાં 24 કલાકમાં ચાકુ અને અસ્ત્રાના ઘા મારીને મહિલા સહિત બે લોકોની હત્યાના બનાવ બન્યા છે. ત્યારે ફરી માંજલપુર વિસ્તારમાં ચાકુથી હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજી સસ્તામાં વેચાણ કરવાં દરમિયાન થયેલી તકરારે હિંસકરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં બંને પક્ષે ઝપાઝપી કરી હતી દરમિયાન એક યુવક પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. એકને ચપ્પુના ઘા વાગતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 સામે ગુનો નોંધી છે.
માંજલપુર વિસ્તારમાં રજા મસ્જિદ પાસે મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉં.વ.32) 14 માર્ચના રોજ સાંજે આશરે 4 વાગ્યે શાકભાજીની ફેરી માટે નીકળ્યા હતા. સાંજે લગભગ 7 વાગ્યે તેઓ મકરપુરા જીઆઇડીસી પાસે ભૂમિ ચોકડી ખાતે પહોંચ્યા હતા ત્યારે ટેમ્પો બંધ પડી જતા રોડની બાજુમાં રાખી ત્યાં શાકભાજી વેચવા લાગ્યા હતા.
દરમિયાન નજીકમાં પથારો લગાવી શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ ત્યાં આવ્યા અને ઓછા ભાવે શાકભાજી વેચવાના મુદ્દે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ ત્યાં આવી ગયા અને ઝપાઝપી શરૂ થઈ હતી. ત્યારે ઇમરાન સાથે શાકભાજી વેચતા તેના ભાણિયા શાહિદે ચપ્પુ કાઢી તેમને કમરના ભાગે ઘા કર્યો હતો તેમજ ગળા અને ડાબી આંખ પાસે પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ આવી પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન અને શાહિદ સામે l ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ ઇમરાન તસીરખાન પઠાણ (ઉં. વ.26)એ પણ મુકીમ સામે મારામારીની નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ભાઈ મોહમ્મદ સાબાન અને ભાણિયા સાહિબે આલમ સાથે ભૂમિ ચોકડી પાસે શાકભાજી વેચતા હતા. ત્યારે મુકીમ પોતાના ટેમ્પો સાથે તેમની બાજુમાં આવી ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. આ બાબતે તેમને ટેમ્પો થોડો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે ટેમ્પો હટાવ્યો નહોતો. ત્યારબાદ મુકીમ તેમના ભાઈ પાસે જઈ કોલર પકડી ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
ઇમરાનના જણાવ્યા મુજબ ઝપાઝપી દરમિયાન મુકીમે તેમને તેમજ તેમના ભાઈ અને ભાણિયાને માર માર્યો હતો. જેના કારણે તેમને નાકના ભાગે, મોહમ્મદ સાબાનને ખભાના ભાગે અને સાહિબે આલમને કમરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓ પણ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા.
આ બનાવ અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહિ હાથ ધરી છે.

Most Popular

To Top