ઈ-લાઈબ્રેરી ,78 લોકો માટે વાંચન વ્યવસ્થા અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધાઓ મળશે



શહેરમાં આધુનિક સુવિધાઓ સાથે નવી લાઇબ્રેરી સ્થાપવા માટે અંદાજે રૂ.2.42 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે,
પાલિકાના કોર્પોરેટર અને દંડક શૈલેષ પાટીલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં વિદ્યાર્થીઓ અને વાચકોને આધુનિક વાંચન સુવિધા મળે તે માટે આ લાઇબ્રેરી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઈ-લાઇબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓ સાથેનું આ કેન્દ્ર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પણ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં લાઇબ્રેરીને જ્ઞાન અને અભ્યાસ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.
પ્રોજેક્ટ મુજબ લાઇબ્રેરી માટે કુલ 1192.1 ચો.મી. વિસ્તારના પ્લોટ પર આશરે 593.7 ચો.મી. વિસ્તારનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. બિલ્ડિંગનું માપ 27.4 મીટર x 21.7 મીટર રહેશે. લાઇબ્રેરીમાં 78 લોકો માટે જનરલ વાંચન બેઠક વ્યવસ્થા, 30 લોકો માટે ઈ-લાઇબ્રેરી વિભાગ તેમજ 16 લોકો માટે મેગેઝિન અને ન્યૂઝપેપર વાંચન માટે અલગ જગ્યા બનાવવામાં આવશે
આ ઉપરાંત લાઇબ્રેરીમાં ઓફિસ વિસ્તાર, ટોયલેટ સુવિધા, ખુલ્લું સેન્ટ્રલ કોર્ટયાર્ડ, ગાર્ડન વિસ્તાર તેમજ બાળકો માટે પ્લે એરિયા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાચકો માટે બહાર ખુલ્લી જગ્યા પર વાંચન અને અન્ય પ્રવૃત્તિઓ માટે આઉટડોર સીટિંગ એરિયા પણ બનાવવામાં આવશે. સાથે સાથે બે-ચક્રી વાહનો માટે 30 પાર્કિંગ અને ચાર-ચક્રી વાહનો માટે 3 પાર્કિંગની સુવિધા રહેશે.
પ્રોજેક્ટના ખર્ચ મુજબ સિવિલ વર્ક માટે રૂ.1.33 કરોડ, પ્લમ્બિંગ માટે રૂ.6.44 લાખ, સાઇટ ડેવલપમેન્ટ માટે રૂ.3.69 લાખ, રોડ ડેવલપમેન્ટ માટે રૂ.9.96 લાખ, ફર્નિચર માટે રૂ.13.24 લાખ, કમ્પાઉન્ડ વોલ માટે રૂ.4.78 લાખ અને ઇલેક્ટ્રિકલ કામ માટે રૂ.23.72 લાખનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
GST અને કન્ટીજન્સી ચાર્જ સહિત સમગ્ર પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.2,42,38,442 રાખવામાં આવ્યો છે. લાઇબ્રેરીનું નિર્માણ આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇન મુજબ કરવામાં આવશે જેમાં વધુ હવા અને પ્રકાશ માટે ખુલ્લા વિસ્તારો અને કુદરત સાથે જોડાતું સેન્ટ્રલ કોર્ટયાર્ડ પણ બનાવવામાં આવશે.