વડોદરા શહેરમાં હોળી-ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંજલપુર વિસ્તારમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આશરે 150 વર્ષ જૂની પરંપરા ધરાવતી અને લગભગ 35 થી 40 ફૂટ ઊંચી માંજલપુર ગામની હોળી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની વિરાટતા અને ધાર્મિક મહત્ત્વને કારણે સમગ્ર શહેરમાંથી શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.



સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, માંજલપુર ગામની સ્થાપના અંદાજે 400 વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારથી અહીં હોળી પ્રગટાવવાની પરંપરા અવિરત ચાલી રહી છે. છેલ્લા દોઢ સદીથી આ હોળીએ વિશાળ અને સામૂહિક સ્વરૂપ ધારણ કર્યું છે. સમય સાથે ગામ શહેરી વિસ્તારમાં ભળી ગયું હોવા છતાં પરંપરાની આગ આજે પણ તેજસ્વી રીતે પ્રગટે છે.
પહેલાના સમયમાં ગામલોકો પોતે જ લાકડાં એકત્રિત કરીને હોળી તૈયાર કરતા હતા. આજના આધુનિક યુગમાં પણ સ્થાનિક યુવાનો અને વડીલો મળીને 35 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી હોળીનું માળખું તૈયાર કરી રહ્યા છે. આ ભવ્ય હોળી વડોદરાની સૌથી ઊંચી હોળી તરીકે જાણીતી બની છે અને દરેક વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
માંજલપુરની હોળી માત્ર ઉત્સવ નહીં, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં સાચા મનથી માનેલી માનતા પૂર્ણ થાય છે. હોલિકા દહન સમયે ભક્તો અગ્નિદેવની પૂજા-અર્ચના કરી ધાણી, ખજૂર અને નારિયેળ અર્પણ કરી આશીર્વાદ મેળવે છે.
આ વર્ષે પણ હોળી પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવવા ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોલિકા દહનના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટવાની સંભાવના છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે.