કરજણ તાલુકામાં દુઃખદ ઘટના, સાંજે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
કરજણ, કરજણ તાલુકાના માંગલેજ ગામમાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં પિયર જવાની બાબતે થયેલા મનદુઃખ બાદ ૨૦ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંગલેજ ગામની નવીનગરીમાં રહેતી પારુલબેન સતિષભાઈ રાઠોડિયાએ તા. ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ પોતાના પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પતિ દ્વારા બીજા દિવસે જવાનું કહેવામાં આવતા મનદુઃખ થતાં તેમણે સાંજે આશરે ૪:૩૦ વાગ્યે પોતાના ઘરની પતરાની છતના લાકડાના મોભ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ બે તબીબોની પેનલ દ્વારા મામલતદારની હાજરીમાં કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ દુઃખદ ઘટનાએ પરિવાર તેમજ ગામમાં વ્યાપક શોકની લાગણી ફેલાવી છે અને સમાજમાં સંબંધોની સંવેદનશીલતા તથા માનસિક આરોગ્યના મહત્વ અંગે ચર્ચા જગાવી છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા