સુરત વન વિભાગના મોટા ભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. એવો જ એક તાલુકો માંગરોળ છે. જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. એવું જ સ્થળ એક ઐતિહાસક બણભા ડુંગર છે. જે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ત્રણ ગામ રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલું છે. જે રટોટીથી માત્ર 2 કિમીના અંતરે આવેલું છે. ઐતિહાસિક બણભા ડુંગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલો છે. માંગરોળ તાલુકામાં આમ તો વનરાજી ખૂબ જ છે. અને બણભા ડુંગરને વિકસાવવામાં ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો પણ સિંહફાળો છે. ડુંગર પર ચઢવા માટે 380 જેટલાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે.
હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર દર્શનની છૂટ આપવામાં આવી છે. એ સિવાય તમારે હરવું ફરવું હોય તો છૂટ નથી. હાલમાં બગીચા પ્રવાસીઓ માટે બંધ છે. હાલ ચોમાસાની ઋતુમાં બણભા ડુંગરે વનરાજીની લીલી ચાદર ઓઢેલી હોય તેવાં મનમોહક દૃશ્ય જોવા મળે છે. બણભા ડુંગરની ટોચ પર આદિવાસીઓના કુળદેવ બણભાદાદા, ગવાલ દેવનું પૌરાણિક કાલિકા માતાનું સ્થાનક આવેલું છે. આદિવાસીઓ ડોવણી વગાડી નાચગાન કરી બણભા દાદાની પૂજા કરે છે. બણભા ડુંગરની તળેટીમાં હનુમાનદાદાનું મંદિર પણ આવેલું છે. જે આદિવાસી લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તાર વાંકલ રેન્જ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલો છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગરે મેળો ભરાતો હોય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓની મેદની ઊમટી પડતી હોય છે.
દશેરાના દિવસે તેમજ શનિવાર, મંગળવારે માંગરોળ, માંડવી, ઉમરપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, વ્યારા, ડેડિયાપાડા, સાગબારા, નવસારી, સુરત વગેરે તાલુકાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અનેક શ્રદ્ધાળુઓ દશેરાના દિવસે માતાજીની માટલીઓ લઈ આવે છે. સહેલાણી અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે આવે છે. બણભા ડુંગર વિપુલ પ્રમાણમાં વિવિધ પ્રકારની દુર્લભ વનસ્પતિઓ, ઔષધિય વનસ્પતિ પણ ધરાવે છે. બણભા ડુંગરની આસપાસ 648 હે.ચો. વિસ્તાર આવેલો છે. જે ખૂબ ગીચતા ધરાવે છે. અહીં વનવિભાગની તકેદારીને કારણે પ્રાણીઓ માટે પણ સુરક્ષિત સ્થળ છે. જંગલમાં હરણ, શિયાળ, સસલાં, જંગલી ભૂંડ, બીલાડા વગેરે પ્રાણીઓ તેમજ વિવિધ જાતનાં પક્ષીઓ નિવાસ કરે છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે મોટા પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
બણભા ડુંગરનો ઇતિહાસ
પૌરાણીક કાળમાં અહીં બણભા દાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઇશનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભીલોડિયો ડુંગર એ ભાઈ અને માંડવી તાલુકામાં પીપલવાડા પાસે આવેલો આહીજો ડુંગર એ પણ બણભા દાદાના ભાઈ ગણાય છે. બણભા ડુંગરની પાસે નાનાં નાનાં ડુંગરો એ પણ એમના ભાઈ-બહેન તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલી હુમાલીનો ડુંગર છે. જે તેમની બહેન ગણાય છે. જે બહેન ઊંચી વધતી હોવાથી દાદાએ ચલમનો કાંકરો ઉપર મૂકી તેમની ઊંચાઈ નિમિત્ત રાખી હતી. જેના પર આજે પણ મોટો પથ્થર છે. બણભા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી પણ હતી. જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા. તેમની પાસે ઘોડાઓ પણ હતા. જેઓ ઘોડા ચરાવવા જે સ્થળે જતાં હતા એ આજનું ઘોડબાર ગામ. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો ડુંગર લાડડિયો ડુંગર તરીકે ઓળખાય છે. જેના પર ઘોડામાં લાડ(છાણ) નાંખવાથી લાડડિયો ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતાં નાની ટેકરી આવેલી છે. જે પણ તેમની બહેન ગણાય છે. જે મીઠાડોંગરી તરીકે પૂજાય છે. એવું પણ કહેવાય છે કે, દેવમોગરા માતા પણ એમની બહેન ગણાય છે. બણભા દાદાની ટોચ ઉપર ગુફા આવેલી છે. જેમાં મોટી ભેખડો આવેલી છે. જેમાં દેવ પૂજા કરવા આવેલા અમુક જ લોકોને અંદર પ્રવેશ આપે છે એવી માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે. જે જળદેવી તરીકે પૂજાય છે. કોઈએ પાણી પીવું હોય તો પહેલા પૂજા કરવી પડે છે. અને બાદ પાણી પીએ છે. ડુંગરની સામે આવેલી ટેકરી કસોટિયો તરીકે ઓળખાય છે. જેના પર દાદાની ધોતી સૂકવવામાં આવતી હતી. ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણું આવેલું છે. જેમાંથી આદિવાસીનું ખાવાનું ભડકું (રાબ) નીકળતી હતી. પરંતુ કોઈએ ખાવાનું ખાઈને એઠું પાંદડું નાંખતા બંધ થઈ ગયું હતું એવી લોકવાયકા છે.
પ્રવાસીઓ માટે શું સુવિધા છે?
# પરિસરીય પ્રવાસન કેન્દ્ર ભણભા
# ડુંગરે અનેક પ્રકારની સુવિધાઓ
# કરવામાં આવી છે.
# જેવી કે તાર ફેન્સિંગ અને ગેટ, ડુંગર ઉપર ચઢવા માટે પગથિયાં, કોમ્યુનિટી સેન્ટર, સેનિટેશન અને ટોઇલેટ બ્લોક, ટેન્ટ, શોવિનિયર શોપ, સૂચના બોર્ડ અને રસ્તાઓ, વન્યપ્રાણીઓનાં સ્ટેચ્યુ, ગાર્ડનમાં સ્થાનિકોના પહેરવેશ સાથેનાં સ્ટેચ્યુઓ, ડોવળા જેવા પારંપરિક વાજિંત્રો, ડુંગરનાં પગથિયાં સાથે સોલાર સ્ટ્રીટ લાઈટ પાણીની સુવિધા છે.
બહેનો માટે સ્વરોજગારની સુવિધા ઉપલબ્ધ
સુરત જિલ્લા ડી.એફ.ઓ. પુનિત નૈયરની સૂચના અને સબ ડી.એફ.ઓ. એસ.સી.કોસાડા તેમજ વાંકલ રેન્જ ઓફિસ, વાંકલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સણધરા, રટોટી, ઓગણીસાના સરપંચો, વાંકલ રેંજના આર.એફ.ઓ. નીતિન વરમોરા તેમજ વન કલ્યાણ સમિતિમાં સણધરા, ઓગણીસા, રટોટીમાંથી વન સમિતિ બનાવી જંગલનું સંરક્ષણ કરી વન્યપ્રાણી, વનસૃષ્ટિમાં ભરપૂર વધારો લોકસહકારથી કરવામાં આવ્યો છે. રોજગારી માટે પણ તંત્ર દ્વારા ઉત્તમ પ્રયાસ કરાયા છે. સ્વસહાય જૂથની બહેનોનું મંડળ બનાવી આજીવિકા વૃદ્ધિ વિકાસ માટે દુકાનો બનાવી આપવામાં આવી હતી. જેના થકી અહીંની બહેનો જીવનનિર્વાહ કરી શકે છે.
ડુંગરની ઊંચાઈ લગભગ 400 મીટર
બણભા ડુંગર સુરતથી 70 કિમી દૂર પૂર્વ દિશામાં આવેલો છે. જ્યાંથી તાપી નદી 12 કિમી અને માંડવીથી 22 કિમીના અંતરે છે. માંગરોળથી 17 કિમી અંતરે આવેલું છે. વાંકલથી 6 કિમીના અંતરે આવેલો આ ડુંગર સુરત જિલ્લામાં સૌથી ઊંચો માનવામાં આવે છે. ડુંગરની ઊંચાઈ લગભગ 400 મીટર માનવામાં
આવે છે.