વડોદરા જિલ્લા એલ.સી.બી.ની મોટી કાર્યવાહી
ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ:
વડોદરા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત વડોદરા જિલ્લા એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે કરજણ તાલુકાના માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલા આઇશર ટ્રકને ચાલક સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની કુલ 4,284 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹17,79,120 થાય છે. ઉપરાંત આઇશર ટ્રક (કી.રૂ. ₹7,00,000), બે મોબાઇલ ફોન (કી.રૂ. ₹20,000), તાડપત્રી (₹1,000) તથા દોરડું (₹300) મળી કુલ ₹25,00,420નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા ટ્રક ચાલકે પોતાનું નામ અનિલ સાહબલાલ યાદવ (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. એલ.સી.બી.ની ટીમે આરોપીને મુદ્દામાલ સાથે કરજણ પોલીસ મથકે સુપરત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. ભૂપતભાઈ વિરમભાઈ, આ.હે.કો. વિનોદભાઈ, ખોડાભાઈ, પ્રવીણસિંહ, મહેશભાઈ, અ.પો.કો. હર્ષકુમાર સહિતના ચુનંદા જવાનો જોડાયા હતા.
જિલ્લા એલ.સી.બી.ની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.